લંડનઃ યુકેની બે દિવસની સત્તાવાર મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ રાજવી કિંગ ચાર્લ્સ તૃતીય સાથે નોરફ્લોકની સેન્ડરિંગહામ એસ્ટેટ ખાતે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ રાજવી પરિવારે જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સે સેન્ડરિંગહામ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કિંગ ચાર્લ્સને આગામી પાનખરમાં વૃક્ષારોપણ માટે એક છોડની ભેટ આપી હતી. ગયા વર્ષે વડાપ્રધાન મોદીએ પર્યાવરણની જાળવણી પર ભાર મૂકતાં એક પેડ મા કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત લોકોને તેમની માતાને નામે એક વૃક્ષ વાવવા પ્રોત્સાહિત કરાય છે. આ પહેલાં ડિસેમ્બર 2023માં દુબઇમાં આયોજિત યુએન ક્લાઇમેટ સમિટ દરમિયાન કિંગ ચાર્લ્સ અને મોદી વચ્ચે મુલાકાત યોજાઇ હતી.


