લંડનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 ડિસેમ્બર ગુરુવારના રોજ બ્રિટિશ રાજવી કિંગ ચાર્લ્સ સાથે વાત કરીને બંને દેશ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને વચ્ચેની ચર્ચામાં ભારત અને યુકે વચ્ચેના ઐતિહાસિક સંબંધનો ઉલ્લેખ કરતાં તેમણે વિવિધ સેક્ટરમાં ગાઢ સંબંધના લક્ષ્યાંક હાંસલ કરવા પર ભાર મૂક્યો હતો.
કિંગ ચાર્લ્સ અને નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલાં સમોઆ ખાતે કોમનવેલ્થ નેતાઓની સમિટના પરિણામો પર પણ ચર્ચા કરી હતી. બંનેની વાતચીતમાં પર્યાવરણ અને સ્થિરતા મહત્વના મુદ્દા રહ્યાં હતાં.
વડાપ્રધાન મોદીએ પર્યાવરણ માટે કિંગ ચાર્લ્સ દ્વારા કરાતી કાર્યવાહીની પ્રશંસા કરતાં આ દિશામાં ભારત દ્વારા લેવાતાં પગલાંની માહિતી આપી હતી. તેમણે ગ્રીન ડેવલપમેન્ટ માટેના પ્રયાસોનું વર્ણન પર કર્યું હતું. બંને નેતાએ એકબીજાને ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કિંગ ચાર્લ્સના આરોગ્ય અને તંદુરસ્તી માટે પણ શુભેચ્છા પાઠવી હતી.
પ્રભુ ઇસુના પ્રેમ, સહિષ્ણુતા અને ભાઇચારાના શિક્ષણને અનુસરોઃ નરેન્દ્ર મોદી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિસમસના પર્વ નિમિત્તે નવી દિલ્હીમાં કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, પ્રભુ ઇસુનો પ્રબોધ આપણને પ્રેમ, સહિષ્ણુતા અને ભાઇચારાનું શિક્ષણ આપે છે. લોકો આ શિક્ષણને મજબૂત બનાવવા કામ કરે તે મહત્વનું છે. દેશની જનતા અને વૈશ્વિક ખ્રિસ્તી સમુદાયને નાતાલની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન મોદીએ કેન્દ્રિય મંત્રી જ્યોર્જ કુરિયનના નિવાસસ્થાને આયોજિત ઉજવણીમાં પણ ભાગ લીધો હતો.


