લંડન
કિંગ ચાર્લ્સ તૃતિયે બ્રિટિશ રાજવીના સત્તાવાર નિવાસસ્થાન બકિંગહામ પેલેસમાં રહેવા નહીં જવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 7 દાયકાથી બકિંગહામ પેલેસ સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું સત્તાવાર નિવાસસ્થાન રહ્યો છે. કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલા 2003થી ક્લેરેન્સ હાઉસ ખાતે વસવાટ કરે છે. કિંગ ચાર્લ્સ માને છે કે આધુનિક વિશ્વનો હેતૂ સિદ્ધ કરવા માટે બકિંગહામ પેલેસમાં વસવાટ ન કરવો જ યોગ્ય રહેશે.
એક અખબારી અહેવાલ પ્રમાણે કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલા સપ્તાહમાં 3 દિવસ ક્લેરેન્સ હાઉસ ખાતે, બે દિવસ વિન્ડસર કેસલ ખાતે અને સપ્તાહાંત સેન્ડ્રિંગહામ હાઉસ ખાતે વીતાવશે. બકિંગહામ પેલેસ પોતાની માતાનું નિવાસસ્થાન હોવા છતાં કિંગ ચાર્લ્સને તેના પ્રત્યે કોઇ લગાવ નથી. તેમનું માનવું છે કે પેલેસનો રખરખાવ અને પર્યાવરણની દ્રષ્ટિએ ત્યાં વસવાટ કરવો ઉચિત નથી. બકિંગહામ પેલેસનું 2027 સુધી રિનોવેશન કામ પણ ચાલવાનું છે. જેના માટે 369 મિલિયન પાઉન્ડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.


