લંડન - કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશી માટે સમગ્ર યુકેમાં કરોડો લોકો તૈયારી કરી રહ્યાં છે. 6 મે 2023ના રોજ પોતાના રાજાની તાજપોશી માટે સમગ્ર યુકે હિલોળે ચડશે. ઇ.સ.1066 પછી આ 40મી તાજપોશી છે. લંડનના વેસ્ટમિન્સ્ટર આબે ખાતે ધાર્મિક વિધિમાં કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલાની તાજપોશી કરાશે. તાજપોશીની ધાર્મિક વિધિમાં 1000 વર્ષથી ચાલી આવતી પરંપરાઓને અનુસરાશે. ત્યારબાદ ફરી એકવાર વેસ્ટમિન્સટર આબેથી બકિંગહામ પેલેસ સુધી પ્રોસેશન થશે. 1.42 માઇલનું આ અંતર કાપતાં લગભગ 33 મિનિટનો સમય લાગશે.
6 મે 2023ના રોજ સવારે 6 કલાકે બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર આબે સુધીના રૂટને ખુલ્લો મૂકી કોરોનેશન પ્રોસેશનથી તાજપોશીની વિધિવત ઉજવણીનો પ્રારંભ થશે. ધ મોલ, વ્હાઇટ હોલ, હાઇડ પાર્ક, ગ્રીન પાર્ક અને સેન્ટ જેમ્સ પાર્ક ખાતે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. આમંત્રિત મહેમાનો, નિવૃત્ત સેનાના અધિકારીઓ, એનએચએસ અને સોશિયલ કેસ સ્ટાફ માટે બકિંગહામ પેલેસની બહાર સ્ટેન્ડ ઊભા કરાશે. બકિંગહામ પેલેસથી કોરોનેશન પ્રોસેશન વેસ્ટમિન્સ્ટર આબે પહોંચશે જ્યાં તાજપોશીની ધાર્મિક વિધિ હાથ ધરાશે. યુરોપમાં યુકે એકમાત્ર એવો દેશ છે જેમાં ક્રાઉન, રોબ, રાજદંડ જેવા રાજચિહ્નોનો તાજપોશીમાં પયોગ કરાય છે.
તાજપોશીનો કાર્યક્રમ – 6 મે 2023
કોરોનેશન પ્રોસેશન
- સવારે 6 કલાકે કોરોનેશન પ્રોસેશનનો રૂટ ખુલ્લો મૂકાશે
- 9.45 કલાકે એસ્કોર્ટ ઓફ ધ હાઉસહોલ્ડ કેવેલરીના 200 સભ્ય બકિંગહામ પેલેસ પાસે એકઠાં થશે
- સેનાના વધુ 1000 જવાનો પણ આ સમયે બકિંગહામ પેલેસ ખાતે એકઠાં થશે
- સવારે 10.20 કલાકે કોરોનેશન પ્રોસેશનનો પ્રારંભ થશે, પ્રોસેશન ધ મોલથી ટ્રાફલગર સ્ક્વેર, વ્હાઇટ હોલ, પાર્લામેન્ટ સ્ટ્રીટ, બ્રોડ સેન્ચ્યુરી થઇ વેસ્ટમિન્સટર આબેના ગ્રેટ વેસ્ટ ડોર ખાતે પહોંચશે
- પરંપરાનો ભંગ કરતા કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા સદીઓ જૂના ગોલ્ડ સ્ટેટ કોચને સ્થાને ડાયમંડ જ્યુબિલી સ્ટેટ કોચમાં સવારી કરશે
- 10.53 કલાકે કિંગની સવારી વેસ્ટમિન્સ્ટર આબે ખાતે પહોંચી જશે
- કિંગ ચાર્લ્સ પરંપરાગત સિલ્કના વસ્ત્રોના સ્થાને મિલિટરી યુનિફોર્મ પહેરે તેવી સંભાવના છે
વેસ્ટ મિન્સ્ટર આબે ખાતે
- 11.00 કલાકે તાજપોશીની ધાર્મિક વિધિનો કિંગ દ્વારા પસંદ કરાયેલા સંગીતથી પ્રારંભ કરાશે
- વિધિમાં કિંગ ચાર્લ્સને સોવેરિન ઓર્બ, ક્રોસ સાથેનો રાજદંડ, કબૂતર સાથેનો રાજદંડ અપાશે
- ક્વીન કેમિલાને પણ કબૂતર સાથેનો રોડ અને ક્રોસ સાથેનો રાજદંડ અપાશે
- તાજપોશીની આ ધાર્મિક વિધિ બે કલાક ચાલે તેવી સંભાવના છે
તાજપોશીની ધાર્મિક વિધિ
- કિંગ ચાર્લ્સને યુકેની જનતા સમક્ષ રજૂ કરાશે, 700 વર્ષ જૂની કોરોનેશન ચેર પાસે ઊભા રહીને આર્ચબિશપ જસ્ટિન વેલ્બી દ્વારા ચાર્લ્સને રાજા ઘોષિત કરાશે
- ઉપસ્થિત મહેમાનો ગોડ સેવ ધ કિંગનો નારો લગાવશે અને દરેક વિધિ બાદ રણશિંગડાનો નાદ કરાશે
- કેન્ટરબરીના આર્ચબિશપ કિંગ ચાર્લ્સ પાસે હાથમાં ગોસ્પેલ સાથે કાયદા અને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની જાળવણી માટેના શપથ લેવડાવશે, કિંગ ચાર્લ્સ વિશ્વાસુ પ્રોટેસ્ટન્ટ હોવાની એસેસન ડેકલેરેશન ઓથ પણ લેશે
- કિંગ ચાર્લ્સને કોરોનેશન ચેર પર બેસાડીને યરૂશાલેમથી ખાસ લવાયેલ હોલી ઓઇલ વડે રાજ્યાભિષેક કરાશે
- બપોરે બરાબર 12.00ના ટકોરે કિંગ ચાર્લ્સને સેન્ટ એડવર્ડ ક્રાઉન પહેરાવીને તાજપોશી કરાશે
- કિંગ ચાર્લ્સ રાજસિંહાસન પર બિરાજમાન થશે
- કિંગ ચાર્લ્સ બાદ ક્વીન કેમિલાનો રાજ્યાભિષેક, તાજપોશી કરીને સિંહાસન પર બેસાડવામાં આવશે, ક્વીન મેરીના ક્રાઉનથી તેમની તાજપોશી કરાશે
- કિંગ અને ક્વીન સેન્ટ એડવર્ડ ચેપલમાં જશે. અહીં કિંગ ચાર્લ્સ સેન્ટ એડવર્ડ ક્રાઉન ઉતારી દેશે અને ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન પહેરી પ્રોસેશનમાં જોડાશે. આ પ્રસંગે રાષ્ટ્રગાન કરાશે
બકિંગહામ પેલેસ પરત
- બપોરે 13.33 કલાકે સેન્ટર આર્ચ દ્વારા કિંગ અને ક્વીન બકિંગહામ પેલેસમાં પ્રવેશશે, ગાર્ડન ટેરેસ પર પહોંચી રોયલ સેલ્યૂટ આપશે
- કિંગ અને ક્વીન પસંદગીના પારિવારિક સભ્યો સાથે પેલેસની બાલ્કનીમાં આવીને લોકોનું અભિવાદન ઝીલશે


