કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીમાં બંધારણીય કટોકટી સર્જાશે – રાજવી લેખક

કિંગ ચાર્લ્સે કેમિલા સાથે વ્યભિચાર કર્યો હોવાની કબૂલાત કરી હતી – એન્થની હોલ્ડન

Wednesday 04th January 2023 06:14 EST
 
 

લંડન

રાજવી પરિવાર સાથે સંકળાયેલા એક લેખકે દાવો કર્યો છે કે ક્વીન કોન્સોર્ટ કેમિલા સાથેના અફેરના કારણે કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીનો સમારોહ અમાન્ય ઠરી શકે છે. કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયના 1992માં છૂટા પડ્યાં હતાં પરંતુ કિંગ ચાર્લ્સની જીવનકથામાં જણાવવામાં આવ્યું છે કે 1986થી તત્કાલિન પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો. 1994માં પ્રિન્સ ચાર્લ્સે કબૂલાત કરી હતી કે તેમણે પ્રિન્સેસ ડાયના સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જીવનકથામાં પ્રિન્સ ચાર્લ્સે જણાવ્યું હતું કે, અમારું લગ્નજીવન ભંગાણના આરે પહોંચ્યું ત્યાં સુધી અમે તેને નિભાવવાનો પ્રયાસ કર્યો હતો. રોયલ બાયોગ્રાફર એન્થની હોલ્ડને દાવો કર્યો છે કે કિંગ ચાર્લ્સ દ્વારા કરાયેલી વ્યભિચારની કબૂલાત બંધારણીય કટોકટી સર્જી શકે છે.

એન્થની હોલ્ડને એક અખબારી લેખમાં જણાવ્યું હતું કે, ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ક્યારેય છૂટાછેડા લેનાર વ્યક્તિની રાજા તરીકે તાજપોશી કરાઇ નથી. કેન્ટરબરીના પૂર્વ આર્ચબિશપ સ્વ. રોબર્ટ રૂન્સીએ મને જણાવ્યું હતું કે, આના કારણે તાજપોશીના શપથમાં સુધારો કરવો પડશે જેના માટે સંસદમાં નવો ઠરાવ કરવાનો રહેશે. પરંતુ સમજૂતિ એવી છે કે રાજાની મંજૂરી વિના સંસદ રાજાશાહી પર ચર્ચા કરી શક્તી નથી તેથી વડાપ્રધાન સુનાકે કિંગ ચાર્લ્સની પરવાનગી લેવી પડશે જેના કારણે બંધારણીય કટોકટી સર્જાઇ શકે છે.

જોકે કિંગ્સ કોલેજ ખાતેના રિસર્ચ પ્રોફેસર સર વર્નોન બોગડેનોરે જણાવ્યું હતું કે, આર્ચબિશપ રોવાન વિલિયમ્સના નેતૃત્વમાં પ્રાર્થના સભા બાદ ચાર્લ્સ અને કેમિલાના લગ્ન કરાવવામાં આવ્યા હતાં. તેથી રોબર્ટ રૂન્સી દ્વારા જે કાંઇ કહેવામાં આવ્યું તેનો કોઇ અર્થ રહેતો નથી.

કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશી 6 મે 2023ના રોજ યોજાવાની છે. તે પ્રસંગે કેમિલાને ક્વીન કોન્સોર્ટનો તાજ પહેરાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter