લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયની નવી રાજમુદ્રા જાહેર કરી દેવાઇ છે. બ્રિટનના રાજવી આ મુદ્રા દ્વારા સત્તાવાર દસ્તાવેજો પર મંજૂરીની મહોર મારતા હોય છે. કિંગ ચાર્લ્સની રાજમુદ્રા જાહેર થતાં હવે સત્તા હસ્તાંતરણનો છેલ્લો તબક્કો પણ પૂરો થઇ ગયો છે. તાજેતરમાં ચાંદીની બનેલી આ રાજમુદ્રાને કિંગ દ્વારા મંજૂરી અપાઇ છે. પહેલીવાર 11મી સદીમાં એડવર્ડ ધ કન્ફેસર દ્વારા રાજમુદ્રાનો ઉપયોગ શરૂ કરાયો હતો. નવી મુદ્રામાં કિંગ ચાર્લ્સને તેમના રાજવી પોશાકમાં રાજદંડ સાથે રાજગાદી પર બિરાજેલા દર્શાવવામાં આવ્યા છે. આ રાજમુદ્રાની ડિઝાઇન તિમોથી નોડ દ્વારા તૈયાર કરાઇ હતી.