લંડનઃ સ્કોટલેન્ડમાં બ્રિટિશ રાજગાદી પર કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશીના અવસરની ઉજવણી ધામધૂમથી કરાઇ હતી. સ્કોટલેન્ડની રાજધાની એડિનબરો ખાતે બુધવારે આયોજિત વિધિઓમાં નેશનલ થેન્ક્સગિવિંગ સર્વિસ સહિતની ઉજવણીઓનો સમાવેશ થાય છે. સેન્ટ જાઇલ્સ કેથેડ્રલ ખાતે આયોજિત થેન્ક્સગિવિંગ સર્વિસમાં કિંગ ચાર્લ્સને સ્કોટિશ રાજવી પ્રતિકો એનાયત કરાયાં હતાં. ઓનર્સ ઓફ સ્કોટલેન્ડ તરીકે ઓળખાતાં આ રાજવી પ્રતિકો બ્રિટનના સૌથી જૂના રાજવી પ્રતિકો છે. કેટલાંક પ્રતિક તો 16મી સદીના પ્રારંભના છે. જોકે આ પ્રતિકોમાં ધ એલિઝાબેથ સ્વોર્ડનો તાજેતરમાં જ સમાવેશ કરાયો હતો. સ્કોટિશ સરકારના જણાવ્યા અનુસાર આ પહેલાં ઇ.સ.1507માં પોપ જુલિયસ દ્વિતીય દ્વારા કિંગ જેમ્સ ચોથાને અપાયેલી તલવાર રાજાને સોંપાતી હતી પરંતુ તે હવે જરીપુરાણી થઇ ગઇ હોવાના કારણે તેના સ્થાને એલિઝાબેથ સ્વોર્ડ આપવામાં આવી હતી. થેન્ક્સગિવિંગ સર્વિસ પહેલાં કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા સરઘસ આકારે કેથેડ્રલ સુધીના પ્રોસેશનમાં જોડાયાં હતાં જ્યાં તેમને ગન સેલ્યૂટ આપવામાં આવી હતી. રોયલ એરફોર્સ દ્વારા ફ્લાયપાસ્ટ દ્વારા કિંગ અને ક્વીનને સલામી અપાઇ હતી.


