કિંગ ચાર્લ્સ ત્રીજા માટે બ્રિટનની રાજગાદી કાંટાળો તાજ બની રહેશે

સ્કોટલેન્ડની આઝાદીની માગ, ઉત્તર આયર્લેન્ડની સમસ્યા જેવા ઉકળતા ચરૂ જેવા પ્રશ્નો કિંગની અગ્નિપરીક્ષા લેશે

Wednesday 21st September 2022 05:54 EDT
 
 

લંડન

મહારાણીના નિધન બાદ બ્રિટનની રાજગાદી પર બેઠેલા કિંગ ચાર્લ્સ ત્રીજા માટે ઘરઆંગણે પણ મોટા પડકારો છે. રાજા જાહેર થયાના પહેલા જ સપ્તાહમાં કિંગ ચાર્લ્સને ઘણીવાર જાહેરમાં ધીરજ ગુમાવી બેસતા જોવામાં આવ્યા છે. એ વાતમાં કોઇ શંકા નથી કે તેઓ 73 વર્ષના છે અને માતાના નિધનથી ઘણા વ્યથિત પણ છે. પરંતુ તેમની ખરી પરીક્ષા તો શોકનો સમય વીત્યા પછી શરૂ થશે. હાલ તો મહારાણીના નિધનના કારણે સમગ્ર દેશની જનતામાં રાજવી પરિવાર પ્રત્યે કૂણી લાગણીઓ પ્રવર્તી રહી છે.

સ્કોટલેન્ડની આઝાદીનો સળગતો સવાલ કિંગ ચાર્લ્સની પરેશાનીઓમાં વધારો કરશે. તે ઉપરાંત સ્લિપિંગ ડ્રેગન જેવા ઉત્તર આયર્લેન્ડની સમસ્યા પણ ગમે ત્યારે વિકરાળ બની શકે છે. આયર્લેન્ડની જનતાને વિશ્વાસમાં લીધા વિના જ બોરિસ જ્હોન્સને બ્રેક્ઝિટનો અમલ કરી નાખ્યો તેના કારણે ત્યાં ઘણો રોષ પ્રવર્તી રહ્યો છે. તે ઉપરાંત ઉત્તર આયર્લેન્ડમાં કેથલિકોની વસતી પ્રોટેસ્ટન્ટની વસતી કરતાં વધુ થયાના આંકડા સામે આવશે તો ત્યાં યુનાઇટેડ આયર્લેન્ડમાં જોડાવાની માગ બુલંદ બની શકે છે. જેના કારણે ઉત્તર આયર્લેન્ડમાં ફરી એકવાર હિંસાનું સામ્રાજ્ય સ્થપાઇ શકે છે.

સ્કોટલેન્ડને આઝાદ કરાય તો પણ ત્યાં રાજાશાહી યથાવત રખાય તેવી સંભાવના છે પરંતુ યુનાઇટેડ આયર્લેન્ડ ક્યારેય બ્રિટિશ રાજવીને પોતાના વડા તરીકે સ્વીકારશે નહીં. જો સ્કોટલેન્ડ અલગ દેશ બની જાય તો ચાર્લ્સનું મેઇન ટાઇટલ કિંગ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ સુધી જ સીમિત બની જશે. વેલ્શના લોકો પણ રાજાશાહીને સ્વીકારવાનો ઇનકાર કરી દે તો તેઓ પ્રિન્સ વિલિયમને વારસામાં શું આપશે તે એક મોટો સવાલ છે.

બીજીતરફ વિશ્વના 14 સ્વતંત્ર દેશો બ્રિટનના રાજાને પોતાના દેશના વડા તરીકે સ્વીકારે છે પરંતુ હવે તેઓ પણ તેમાં બદલાવ કરવા અધીરા બની રહ્યાં છે. બાર્બાડોસે પોતાને રિપબ્લિક જાહેર કરીને બ્રિટિશ તાજને ફગાવી દીધો છે. જમૈકા અને એન્ટીગુઆ પણ બાર્બાડોસની દિશામાં આગળ વધવાની તૈયારી કરી રહ્યાં છે. તેવી જ રીતે શ્વેત બહુલ વસતી ધરાવતા ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝિલેન્ડ પણ હવે ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં બ્રિટિશ તાજને ફગાવવાની માગ બુલંદ બની રહી છે તો કેનેડામાં પણ બ્રિટિશ રાજાશાહી વિરુદ્ધ અવાજ ઉઠવા લાગ્યાં છે.

બ્રિટનમાં પણ રાજાશાહી વિરુદ્ધના સૂર બુલંદ થવા લાગ્યાં છે. કેમ્પેન ગ્રુપ રિપબ્લિકના વડા ગ્રેહામ સ્મીથ કહે છે કે અમે થોડા દિવસો માટે ચળવળ અટકાવી દીધી છે પરંતુ અમે અમારા આંદોલન માટે હજારો પાઉન્ડનું ભંડોળ એકઠું કર્યું છે અને સોશિયલ મીડિયા પર પણ મોટું અભિયાન ચાલી રહ્યું છે. કિંગ ચાર્લ્સ ક્વીન નથી જેઓ તમામ પ્રકારની ટીકાઓ સામે અડીખમ બખ્તરની ભુમિકા ભજવતા હતા.

મે 2022માં હાથ ધરાયેલા એક સરવે પ્રમાણે બ્રિટનમાં રાજાશાહીની તરફેણ કરનારા લોકોની સંખ્યા 70 ટકાથી ઘટીને 60 ટકા પર આવી ગઇ છે. મહારાણીના નિધન પછીના સપ્તાહમાં કરાયેલા સરવે પ્રમાણે ફક્ત 44 ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેમણે મહારાણીના નિધન પર આંસુ વહાવ્યા છે. જોકે કિંગ ચાર્લ્સ પાસે તમામ પરેશાનીઓ સામે લડવાનો ઘણો સમય છે. તેમનામાં ક્ષમતાઓ પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter