લંડન
મહારાણી એલિઝાબેથ બીજાના નિધનના કારણે વ્યથિત કિંગ ચાર્લ્સ ત્રીજા સામાન્ય બાબતોમાં છંછેડાઇ રહ્યાં છે. તાજેતરમાં કેટલાક દસ્તાવેજોમાં હસ્તાક્ષર સમયે ફાઉન્ટેન પેન લીક થતાં કિંગ ચાર્લ્સ ધૂંધવાઇ ઉઠ્યાં હતાં. તેમના ગુસ્સો કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ બની રહ્યાં છે અને તેમને કરોડો હીટ મળી રહ્યાં છે. સોમવારે ઉત્તર આયર્લેન્ડમાં હિલ્સબરો કેસલ ખાતે વિઝિટર બુકમાં હસ્તાક્ષર કરતી વખતે પણ પેન લીક થતાં કિંગ ચાર્લ્સ નારાજ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું આ પ્રકારની બકવાસ બાબતો સહન કરી શક્તો નથી. દરેક વખતે મારા હાથમાં લીક થતી પેન આવે છે. સ્ટાફ કરે છે શું? તેમની સાથે રહેલા ક્વીન કોન્સોર્ટ કેમિલા પણ નારાજ થયાં હતાં. તેમણે કિંગના હાથમાંથી લીક થતી પેન લઇને જણાવ્યું હતું કે, તમારા હાથમાં શાહી પ્રસરી રહી છે. ક્વીન કોન્સોર્ટે બીજી પેન લઇને વિઝિટર બુકમાં હસ્તાક્ષર કર્યા હતા.
આ પહેલાં બકિંગહામ પેલેસ ખાતે પણ કેટલાક દસ્તાવેજોમાં હસ્તાક્ષર સમયે ફાઉન્ટેન પેન લીક થતાં કિંગ નારાજ થયા હતા અને સ્ટાફને તેમની સામે પડેલા પેન હોલ્ડરને હટાવી લેવાના આદેશ આપ્યા હતા. માતાના નિધનના કારણે વ્યથિત કિંગ ચાર્લ્સે એક દસ્તાવેજમાં ખોટી તારીખ નાખી દીધી હતી. તેમણે તેમના સહાયકને પૂછ્યું હતું કે, આજે કઇ તારીખ છે. સહાયકે જણાવ્યું કે આજે 13 સપ્ટેમ્બર છે ત્યારે કિંગે નારાજ થઇને કહ્યું કે અરેરે મેં 12 સપ્ટેમ્બર લખી નાખ્યું.


