લંડન
આગામી વર્ષે કિંગ ચાર્લ્સ ત્રીજાની તાજપોશીના પર્વે સરકારે વધારાના બેન્ક હોલીડેની જાહેરાત કરી છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, વેસ્ટમિન્સ્ટર આબે ખાતે બે દિવસ પહેલાં તાજપોશી યોજાયા બાદ 8મી મેના સોમવારના રોજ પણ દેશભરમાં જાહેર રજા રાખવામાં આવશે. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, જાહેર રજાના કારણે સમગ્ર દેશમાં સમુદાયો અને પરિવારોને સાથે મળીને આ પ્રસંગની ઉજવણી કરવાની તક મળશે. ટોરી સાંસદોએ પહેલી મેના રોજ અપાતી જાહેર રજાને તાજપોશીના પ્રસંગે આપવા અથવા તો વધારાની જાહેર રજા આપવાની માગ કર્યા બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
સુનાકે જણાવ્યું હતું કે, નવા રાજાની તાજપોશી દેશ માટે અદ્વિતિય ક્ષણ બની રહેશે. આ ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે મને દેશવ્યાપી વધારાની રજા જાહેર કરતાં ખુશી થાય છે. હું ઇચ્છું છું કે નવા રાજાના સન્માનમાં દેશભરમાં સ્થાનિક અને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં લોકો ભાગ લે અને નવા રાજાને શુભેચ્છા પાઠવે.


