લંડનઃ કેન્સરનું નિદાન થયા બાદ એક વીડિયો સાથે જારી કરેલા નિવેદનમાં પ્રિન્સેસ ઓફ વેલ્સે જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં તેમના પર કરાયેલી એબ્ડોમિનલ સર્જરી બાદ કરાયેલા ટેસ્ટમાં તેઓ કેન્સરથી પીડાતા હોવાનું નિદાન થયું છે. કેટે તેમના અંગે અફવાઓ ન ફેલાય તે માટે આ નિવેદન જારી કર્યું હતું.
પ્રિન્સેસ કેટે જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં લંડનના પ્રાઇવેટ ક્લિનિકમાં મારા પર સર્જરી કરવામાં આવી ત્યારે એમ મનાતું હતું કે કેન્સરની સંભાવના નથી. સર્જરી સફળ રહી હતી પરંતુ સર્જરી બાદના ટેસ્ટમાં કેન્સર હોવાનું નિદાન થયું હતું. મારી મેડિકલ ટીમે મને કિમોથેરાપીની ભલામણ કરી હતી અને તેની શરૂઆત કરી દેવાઇ છે.
પ્રિન્સેસે પતિ પ્રિન્સ વિલિયમનો આ સમયગાળામાં કાળજી લેવા અને હૂંફ આપવા માટે આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મોટી સર્જરીમાંથી સાજા થવા અને સારવાર માટેની તૈયારીમાં સમય લાગ્યો હતો. અમારે અમારા બાળકોને પણ સમજ આપવાની હતી કે હું સંપુર્ણ રીતે સ્વસ્થ છું.
કિંગ ચાર્લ્સ તૃતીયે પ્રિન્સેસ ઓફ વેલ્સના સાહસને બિરદાવ્યું
પ્રિન્સેસ ઓફ વેલ્સની જાહેરાત બાદ કિંગ ચાર્લ્સ તૃતીયે તેમના સાહસને બિરદાવ્યું હતું. બકિંગહામ પેલેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સ છેલ્લા કેટલાક સપ્તાહથી પ્રિન્સેસ ઓફ વેલ્સ સાથે સતત સંપર્કમાં છે. કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા આ મુશ્કેલ સમયમાં રાજવી પરિવારને સતત પ્રેમ અને હૂંફ આપતા રહેશે. કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, કેથરિને દર્શાવેલા સાહસથી અમે ઘણું ગૌરવ અનુભવીએ છીએ. અમે છેલ્લા કેટલાક સપ્તાહથી અમારી પ્રેમાળ પુત્રવધૂ સાથે સતત સંપર્કમાં છીએ.
હેડિંગઃ સમગ્ર દેશનો પ્રેમ અને સહાનુભૂતિ પ્રિન્સેસની સાથેઃ સુનાકવડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, મારી સહાનુભૂતિ હંમેશા પ્રિન્સેસ ઓફ વેલ્સ, પ્રિન્સ ઓફ વેલ્સ, રાજવી પરિવાર અને વિશેષ કરીને તેમના સંતાનોની સાથે છે. પ્રિન્સેસ વેલ્સની સાથે સમગ્ર દેશનો પ્રેમ અને સહાનુભૂતિ છે. તેમણે પોતાના નિદાનની જાહેરાત કરીને અપ્રતીમ સાહસ દર્શાવ્યું છે.
મુશ્કેલ સમયમાં રોયલ હાઇનેસને લેબર પાર્ટીની શુભેચ્છાઓઃ કેર સ્ટાર્મર
લેબર પાર્ટીના વડા કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું આ મુશ્કેલ સમયમાં રોયલ હાઇનેસને સમગ્ર લેબર પાર્ટી વતી શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું. અમારી સહાનુભૂતિ સમગ્ર રાજવી પરિવાર સાથે છે.