લંડન
મહારાણી એલિઝાબેથ બીજાના નિધનના કારણે કિંગ ચાર્લ્સને વારસામાં મળનારી સંપત્તિ પર વારસાઇ ટેક્સની વસૂલાતની માગ બ્રિટનમાં ઉગ્ર બની રહી છે. ટેક્સ કેમ્પેનર્સે જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સે વારસામાં મળનારી સંપત્તિ પરનો વારસાઇ ટેક્સ ચૂકવવો જોઇએ.
બ્રિટનમાં વારસામાં મળતી 3,25,000 પાઉન્ડ કરતા વધુ સંપત્તિ પર 40 ટકા ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે કિંગ ચાર્લ્સને મહારાણીની 370 મિલિયન પાઉન્ડની સંપત્તિ વારસામાં મળશે. જેથી કિંગ ચાર્લ્સે 148 મિલિયન પાઉન્ડ વારસાઇ ટેક્સ તરીકે ચૂકવવા પડે.
જોકે 1993માં નક્કી કરાયેલા નિયમો પ્રમાણે મહારાણી આવકવેરો અને કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવા સહમત થયાં હતાં પરંતુ રાજવી વારસને વારસામાં મળનારી સંપત્તિને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
જનતાના એક વર્ગનું માનવું છે કે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પાસેથી સરકાર દ્વારા વારસાઇ ટેક્સ તરીકે 40 ટકા જેવી માતબર રકમ વસૂલી લેવામાં આવે છે જ્યારે રાજાને આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે જે એક ક્રુર મજાક સમાન છે. જોકે અન્ય લોકો એમ પણ કહે છે કે પેઢી દર પેઢી વારસાઇ ટેક્સ વસૂલીને રાજવી પરિવારની સંપત્તિમાં ઘટાડો કરવો જોઇએ નહીં.
ટેક્સ જસ્ટિસ યુકેના રોબર્ટ પામર કહે છે કે કિંગ ચાર્લ્સ દ્વારા તેમની માતાની પ્રાઇવેટ સંપત્તિ પર વારસાઇ ટેક્સ ન ચૂકવાય તે અન્યાયી છે. ટેક્સ કેમ્પેનર રિચર્ડ મરફી કહે છે કે રાજા માટે એક નિયમ અને પ્રજા માટે બીજો નિયમ હોઇ શકે નહીં. રાજા પણ કાયદાની દ્રષ્ટિએ સમાન હોવો જોઇએ.
કિંગ ચાર્લ્સ વારસાઇ ટેક્સની ચૂકવણી કરશે નહીં
કિંગ ચાર્લ્સ ત્રીજા તેમની માતા તરફથી વારસામાં મળનારી તેમની અંગત સંપત્તિ પર વારસાઇ ટેક્સ ચૂકવવાના નથી પરંતુ તેઓ તેમની માતાની જેમ આવકવેરાની ચૂકવણી જારી રાખશે. ક્રાઉન એસ્ટેટની કુલ સંપત્તિ 15.2 બિલિયન પાઉન્ડની હોવાનું મનાય છે જેના પ્રોફિટમાંથી 25 ટકા હિસ્સો રાજવી પરિવારને ગ્રાન્ટ તરીકે આપવામાં આવે છે. આ સંપત્તિનું કિંગ કે રાજવી પરિવાર વેચાણ કરી શક્તો નથી અને કરે તો તેમણે સરકારને ગ્રાન્ટ પરત કરવી પડે છે. તેથી સરકારનું કહેવું છે કે આ પ્રકારની સંપત્તિઓ પર વારસાઇ ટેક્સની વસૂલાત અયોગ્ય છે.


