લંડનઃ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની અમેરિકાની પ્રથમ સત્તાવાર રાજકીય મુલાકાતનો ગુરુવારે ઉષ્માભર્યો અંત આવ્યો હતો. મુલાકાતના અંતિમ દિવસે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કિંગ ચાર્લ્સના મુક્તકંઠે વખાણ કરતા તેમને સર્વશ્રેષ્ઠ રાજા ગણાવ્યા હતા. વ્હાઇટ હાઉસ ખાતે સત્તાવાર વિદાય દરમિયાન ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ એક મહાન રાજા છે. મારા મતે તો તેઓ સર્વશ્રેષ્ઠ છે.
વર્જિનિયાના ગ્રામીણ સંસ્કૃતિનો લીધો લ્હાવો
વોશિંગ્ટન અને ન્યૂયોર્કના પ્રોટોકોલથી દૂર, રાજવી દંપતીએ પ્રવાસના છેલ્લા દિવસે ગ્રામીણ વર્જિનિયાના ફ્રન્ટ રોયલ નગરની મુલાકાત લીધી હતી. અહીં આયોજિત 'બ્લોક પાર્ટી'માં તેમણે સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાગત 'ક્લોગ ડાન્સ'નો આનંદ માણ્યો હતો. ક્વીન કેમિલાએ અહીં માત્ર 5 ડોલર ખર્ચીને સ્થાનિક સ્કાઉટ કુકીઝ ખરીદી હતી, જ્યારે કિંગ ચાર્લ્સે નૃત્યના તાલે ઝૂમીને ઉપસ્થિતોના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે દંપતીએ બ્રિટનથી લાવેલું મધ સ્થાનિક મધમાખી ઉછેરકો સાથે બદલીને આત્મીયતા દર્શાવી હતી.
મોનાકન ઇન્ડિયન નેશન સમુદાય અને પર્યાવરણની મુલાકાત: કિંગ ચાર્લ્સે શેનાન્ડોઆહ નેશનલ પાર્કની મુલાકાત લઈને અમેરિકાના પ્રતીક સમાન 'બાલ્ડ ઇગલ'ના સંરક્ષણ કાર્યની વિગતો મેળવી હતી. આ ઉપરાંત, તેમણે 'મોનાકન ઇન્ડિયન નેશન'ના સભ્યો સાથે મુલાકાત કરી સાંસ્કૃતિક આદાનપ્રદાન કર્યું હતું. શાહી દંપતીએ અર્લિંગ્ટન નેશનલ સિમેટ્રીની મુલાકાત લઈને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


