કિંગ ચાર્લ્સ રાજગાદીનો ત્યાગ કરે તેવી ક્વીન કેમિલાની ઇચ્છા?

ક્વીન ઇચ્છે છે કે કિંગ રાજગાદીનો ત્યાગ કરી જિંદગીના પાછલા વર્ષો સુખ શાંતિમાં વીતાવે

Tuesday 20th February 2024 12:36 EST
 
 

લંડનઃ ક્વીન કેમિલા કિંગ ચાર્લ્સને રાજગાદીનો ત્યાગ કરીને તેમની જિંદગીના પાછલા વર્ષો શાંતિથી ગુજારવા વિનંતી કરી રહ્યાં છે. એવી મોટી સંભાવના જોવાઇ રહી છે કે પ્રિન્સ વિલિયમને ધાર્યા કરતાં જલદી રાજવી પરિવારના મામલા સોંપી દેવાશે. છેલ્લા કેટલાક સમયથી રાજવી પરિવાર બીમારીઓનો સામનો કરી રહ્યો છે. કિંગ ચાર્લ્સને કેન્સરનું નિદાન થયું છે જ્યારે પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટને સર્જરીમાંથી પસાર થવું પડયું છે. પ્રિન્સ વિલિયમ માટે આ પરિસ્થિતિ સરળ નથી. તેમના માથે તમામ જવાબદારી આવી ગઇ છે.

રાજવી પરિવારના એક નિકટના સૂત્રે જણાવ્યું છે કે જે રીતે પ્રિન્સ વિલિયમ રાજગાદી પ્રત્યેની તેમની જવાબદારીઓને ન્યાય આપી રહ્યાં છે તેનાથી ક્વીન કેમિલા ગૌરવ અનુભવે છે. પ્રિન્સ વિલિયમની કામગીરીથી કિંગ ચાર્લ્સ પણ પ્રભાવિત થયાં છે. સૂત્રે જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં કિંગ ચાર્લ્સ રાજગાદીનો ત્યાગ કરી શકે છે.

કિંગ ચાર્લ્સ ઝડપથી પોતાની કામગીરી સંભાળી લેવાના દાવા કરી રહ્યા છે પરંતુ સૂત્રે દાવો કર્યો છે કે કિંગ પાસે રાજગાદીનો ત્યાગ કરવાની વિચારણા કર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. કિંગ ચાર્લ્સને રાજગાદી પર બેસવા માટે ઘણા વર્ષોની રાહ જોવી પડી છે તેમ છતાં સંજોગોની માગ છે કે તેઓ રાજગાદી તેમના વારસને સોંપી દે. ક્વીન પણ આ બાબત પર ભાર મૂકી રહ્યાં છે. ક્વીન ઇચ્છે છે કે કિંગ ઝડપથી નિવૃત્ત થઇ જાય. તેમણે કિંગને અપીલ કરી છે કે રાજગાદીનો ત્યાગ કરીને જીવનના અંતિમ વર્ષો સુખ શાંતિમાં વીતાવે.

 ગાઝામાં યુદ્ધનો તાત્કાલિક અંત લાવવા પ્રિન્સ વિલિયમની અપીલ

પ્રિન્સ ઓફ વિલિયમે ગાઝામાં ચાલી રહેલી લડાઇનો તાત્કાલિક અંત લાવવાની અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં મોટી સંખ્યામાં લોકો મરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા બાદ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં ભયાનક માનવીય કિંમત ચૂકવવી પડી છે. અન્યોની જેમ હું પણ ઇચ્છું છું કે આ લડાઇનો તાત્કાલિક અંત આવે. ગાઝામાં માનવીય સહાયની તાકિદે જરૂર છે. ત્યાં સહાય મોકલવામાં આવે અને ઇઝરાયેલી બંધકોને મુક્ત કરાય.સૌથી મહત્વની વાત એ છે કે ગાઝામાં શાંતિ સ્થપાય.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter