કિંગ ચાર્લ્સ હજારો લોકોના મોતમાંથી નફો રળતા હોવાનો આરોપ

ડચી ઓફ લેન્કેસ્ટર વારસવિહિન મૃતકોની સંપત્તિમાંથી કિંગ માટે આવક ઊભી કરે છે

Tuesday 28th November 2023 10:55 EST
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીય નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં હજારો લોકોના મોતમાંથી તગડો નફો રળી રહ્યાં હોવાનો આરોપ મૂકાયો છે. કિંગ ચાર્લ્સને વારસામાં મળેલી એસ્ટેટ દ્વારા મૃતકોની સંપત્તિઓ ગુપ્ત રીતે કોમર્શિયલ પ્રોપર્ટી બનાવવામાં આવી રહી છે. વિવાદાસ્પદ લેન્ડ એન્ડ પ્રોપર્ટી એસ્ટેટ ડચી ઓફ લેન્કેસ્ટર કિંગ માટે તગડો નફો રળે છે. આ એસ્ટેટે સામંતશાહીના યુગમાં અમલી સિસ્ટમ અંતર્ગત તાજેતરના વર્ષોમાં મિલિયનો પાઉન્ડ એકઠાં કરી લીધાં છે.

જે લોકો વિલ બનાવ્યા વિના અથવા તો જેમના વારસોનો અતોપતો હોતો નથી તેવા મૃતકોની સંપત્તિ આ એસ્ટેટ દ્વારા એકઠી કરવામાં આવે છે. છેલ્લા એક દાયકામાં કિંગની એસ્ટેટે 60 મિલિયન પાઉન્ડ કરતાં વધુનું ભંડોળ એકઠું કરી લીધું છે. એવો દાવો કરવામાં આવે છે કે ખર્ચ બાદ કર્યા બાદ આ પ્રકારની આવકને ચેરિટીમાં દાન કરી દેવાય છે.

જોકે વાસ્તવિકતા એ છે કે આ પ્રકારની આવકનો બહુ જૂજ હિસ્સો ચેરિટીને દાનમાં અપાય છે. એસ્ટેટના દસ્તાવેજો દર્શાવે છે કે આ પ્રકારની આવકનો ઉપયોગ કિંગની માલિકીની સંપત્તિના રિનોવેશનમાં થાય છે અને ત્યારબાદ તેને ભાડે ચડાવી દેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter