કિંગ ચાર્લ્સ “जीवेत शरद: शतम् शतम्।”

યુકેમાં 70 વર્ષ બાદ રાજ્યાભિષેકનો અવસર, કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની એકસાથે તાજપોશી કરાઇ

Tuesday 09th May 2023 15:37 EDT
 
 

લંડન: 1953 પછી બ્રિટનમાં પહેલીવાર રાજવી ઉત્સવનો અવસર આવ્યો. ક્વીન એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ તેમના વારસ કિંગ ચાર્લ્સ તૃતીયની બ્રિટિશ રાજવી પરંપરા અનુસાર 6 મેના શનિવારના રોજ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે તાજપોશી કરવામાં આવી. 74 વર્ષના કિંગ ચાર્લ્સ બ્રિટિશ રાજવીનો તાજ ધારણ કરનાર સૌથી વૃદ્ધ રાજવી બન્યાં છે. 70 વર્ષ લાંબા એલિઝાબેથ દ્વિતિયના શાસન બાદ હવે બ્રિટનમાં કિંગ ચાર્લ્સના યુગનો પ્રારંભ થયો છે. વેસ્ટ મિન્સ્ટર આબે ખાતે 1000 વર્ષ જૂની રાજવી પરંપરા અનુસાર કિંગ ચાર્લ્સ અને તેમના પત્ની ક્વીન કેમિલાની તાજપોશી કરાઇ હતી. કિંગ ચાર્લ્સે આધુનિક રાજાશાહીની પ્રતીતી કરાવવા તેમના પ્રોસેશન રૂટને ટૂંકાવવાની સાથે રાજવી પરિવારના સક્રિય સભ્યોની સંખ્યામાં પણ ઘટાડો કરી નાખ્યો છે. તે ઉપરાંત પહેલીવાર બ્રિટનની રાજાશાહીએ અન્ય ધર્મીઓને પણ તાજપોશીની વિધિમાં સામેલ કરીને બ્રિટનની સાચી બિનસાંપ્રદાયિક છબિને વધુ ઉજ્જવળ બનાવી છે. કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની તાજપોશીના અવસરે જાણે કે સમગ્ર યુકે હિલોળે ચડ્યો હતો. વિન્ડસર કેસલ ખાતે આયોજિત કોરોનેશન કોન્સર્ટ યાદગાર બની રહી હતી તો સમગ્ર દેશમાં હજારો બીગ લંચ, સ્ટ્રીટ પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં લાખો યુકેવાસીઓએ પોતાના નવા રાજાની તાજપોશીની મન ભરીને ઉજવણીઓ કરી હતી. કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા તાજપોશી નિમિત્તે આયોજિત કાર્યક્રમોના આયોજનથી ઘણા અભિભૂત થયાં હતાં. રાજવી દંપતિએ તાજપોશીને એક ભવ્ય પ્રસંગ બનાવવા માટે યોગદાન આપનાર તમામનો આભાર માન્યો હતો. કિંગ ચાર્લ્સે તેમની તાજપોશીમાં વિવાદોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું અને તેથી જ કોહિનૂર હીરો ધરાવતા તાજનો તાજપોશીમાં ઉપયોગ કરાયો નહોતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter