લંડનઃ બ્રિટનમાં નવા રાજવીના શાસનકાળની ઉજવણીના સંદર્ભમાં જાહેર સંસ્થાઓને કિંગ ચાર્લ્સ તૃતીયનું તૈલચિત્ર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે પરંતુ આ તૈલચિત્રને સૌથી વધુ પ્રતિસાદ કોસ્ટગાર્ડ દ્વારા અપાયો છે. રોયલ નેવી યુનિફોર્મમાં સજ્જ કિંગ ચાર્લ્સના 20,500 તૈલચિત્ર સમગ્ર દેશમાં વિનામૂલ્યે વહેંચવામાં આવી રહ્યાં છે પરંતુ શાળાઓ, હોસ્પિટલો અને ચર્ચો તેને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યાં છે. આ તૈલચિત્ર ગયા વર્ષે વિન્ડસર કેસલમાં હ્યુગો બર્નાર્ડ દ્વારા લેવાયેલી તસવીરના આધારે તૈયાર કરાયું છે.
23 એચએમ કોસ્ટગાર્ડ સેન્ટરોએ કિંગના તૈલચિત્રને આવકાર આપ્યો છે જ્યારે દેશની 1454 હોસ્પિટલમાંથી ફક્ત 40 હોસ્પિટલે કિંગનું તૈલચિત્ર સ્વીકાર્યું છે. દેશની યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓ પૈકીની ફક્ત 35 એટલે કે 7.4 ટકાએ તૈલચિત્રને પ્રતિસાદ આપ્યો છે. 33 ટકા શાળાએ જ કિંગનું તૈલચિત્ર સ્વીકાર્યું છે.
ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના ફક્ત 25 ટકા ચર્ચે વિનામૂલ્યે અપાતું તૈલચિત્ર સ્વીકાર્યું છે. કિંગ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના સુપ્રીમ ગવર્નર ગણાય છે. દેશમાં કુલ 67,152 સંસ્થા કિંગનું તૈલચિત્ર પ્રાપ્ત કરવાની માન્યતા ધરાવે છે પરંતુ અત્યાર સુધીમાં ફક્ત 30 ટકા એટલે કે 20,565 સંસ્થાઓએ જ તૈલચિત્ર મેળવવા માટે અરજી કરી છે. સરકાર આ તૈલચિત્રો પાછળ 2.7 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરી રહી છે. એક તૈલચિત્રની કિંમત સરેરાશ 131 પાઉન્ડ છે.


