કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં બેન્ક હોલીડે વિશે સરકારનું ખુલ્લું મન

વધારાની રજા જાહેર કરાવાની પણ શક્યતા

Wednesday 19th October 2022 06:29 EDT
 

લંડનઃ કિંગ ચાર્લ્સના છઠ્ઠી મેએ યોજાનારા રાજ્યાભિષેકમાં બેન્ક હોલીડેના તમામ વિકલ્પો વિશે સરકારનું ખુલ્લું મન હોવાની સ્પષ્ટતા ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા કરાઈ છે. કદાચ વધારાની રજા પણ મળી શકે છે. અગાઉ, મિનિસ્ટર્સે કિંગની તાજપોશી વેળાએ બેન્ક હોલીડેની શક્યતા નકારી કાઢી હતી પરંતુ, લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કિંગની તાજપોશીને સુસંગત બેન્ક હોલીડેને ખસેડવામાં આવે તો તેને સમર્થન છે. બ્રિટનની ટુરિઝમ ઈન્ડસ્ટ્રીએ પણ વધારાની રજાની તરફેણ કરી છે.તાજપોશી શનિવારના દિવસે જ કરાય તેવી કોઈ પરંપરા નથી. ક્વીન એલિઝાબેથ દ્વિતીયની તાજપોશી મંગળવારે કરાઈ હતી.

મે મહિનામાં બે બેન્ક હોલીડે 1 મે અને 29 મેના દિવસોએ આવે છે. સોમવારના બેન્ક હોલીડેને ખસેડીને 6 મેના વીકએન્ડ પર લઈ જવાય તેવી શક્યતા વિચારાઈ રહી છે. સાંસદો બ્રિટિશરોને તાજપોશીની વધારાની રજા મળે તેવો આગ્રહ કરી રહ્યા છે. વડા પ્રધાન લિઝ ટ્રસના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘આ ઐતિહાસિક ઈવેન્ટ હશે અને આપણા સહુ માટે વિશેષ યાદગીરી સમાન બની રહેશે. પેલેસ દ્વારા તાજપોશીની સત્તાવાર તારીખ જાહેર કરાઈ છે ત્યારે સરકાર તેની યોજના કાળજીપૂર્વક ઘડી રહી છે.’

દરમિયાન, બિઝનેસ સેક્રેટરી જેકોબ રીસ-મોગે સંકેત આપ્યો હતો કે દેશની પ્રજામાં ઐતિહાસિક દિવસને બરાબર માણી શકે તે માટે જાહેર રજા આપી શકાય છે. જોકે, કિંગ ચાર્લ્સની તાજપોશી માટે નવી ખાસ રજા જાહેર કરાશે તેને બકિંગહામ પેલેસ દ્વારા સમર્થન અપાયું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter