કિંગ ચાર્લ્સની તાજપોશીનો ધમધમાટ

ભારતના પ્રતિનિધિ તરીકે ઉપરાષ્ટ્રપતિ ધનખડ હાજર રહેશે, બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર કોરોનેશન કોન્સર્ટમાં પર્ફોમ કરશે, બેંગાલુરૂના ડો. ઇસ્સાક મથાઇને વિશેષ આમંત્રણ

Tuesday 02nd May 2023 15:19 EDT
 
 

લંડન

ક્વીન એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ તેમના વારસ પ્રિન્સ ચાર્લ્સને યુકેના રાજા ઘોષિત કરાયા હતા. હવે 6 મેના રોજ તેમની તાજપોશી થવા જઇ રહી છે ત્યારે તાજપોશીના કાર્યક્રમમાં હાજર રહેવા રાજવી પરિવાર અને યુકેની સરકાર દ્વારા ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવ્યું હતું. જોકે રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે હાજરી આપી શકે તેમ ન હોવાથી ભારત સરકાર દ્વારા તેના પ્રતિનિધિ તરીકે 6 મેની કોરોનેશન સેરેમનીમાં ભાગ લેવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને મોકલવાનો નિર્ણય લેવાયો છે.

યુકેના રાજવી પરિવારમાં 70 વર્ષ પછી તાજપોશીનો સમારોહ યોજાઇ રહ્યો છે. 1953માં ક્વીન એલિઝાબેથ દ્વિતિયની તાજપોશીના સમારોહમાં ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ હાજર રહ્યા હતા. 

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપરાંત બોલિવૂડની એક્ટ્રેસ સોનમ કપૂરને કોરોનેશન કોન્સર્ટમાં હાજર રહેવા આમંત્રણ અપાયું છે. 7 મેના રોજ યોજાનારી કિંગ ચાર્લ્સની કોરોનેશન કોન્સર્ટમાં વિવિધ ફિલ્મ અને મ્યુઝિક સ્ટાર પર્ફોર્મ કરવાના છે જેમાં બોલિવૂડની અભિનેત્રી સોનમ કપૂરને પણ તક મળી છે. એક અહેવાલ પ્રમાણે સોનમ કપૂર કોમનવેલ્થ વર્ચ્યુઅલ ક્વાયરની ઓળખ આપવા મંચ પર રહેશે.

ધનખડ અને સોનમ કપૂર ઉપરાંત ભારતના બેંગાલુરૂથી ડો. ઇસ્સાક મથાઇને પણ કિંગના કોરોનેશનમાં આમંત્રણ અપાયું છે. સૌક્ય વેલનેસ સેન્ટરના ચેરમેન ડો. મથાઇ કિંગ અને ક્વીન કેમિલાના ફિઝિશિયન છે. તેમણે જણાવ્યું હતું કે, મને ખુશી અને રોમાંચ છે કે હું આ મેજિકલ ગ્લોબલ ઇવેન્ટનો હિસ્સો હોઇશ. કિંગના કોરોનેશનમાં સમગ્ર વિશ્વના રાજકીય નેતાઓ, સેલિબ્રિટી સહિત 2000 મહેમાનોને આમંત્રણ અપાયું છે.

કિંગની તાજપોશીમાં રિશી સુનાક બાઇબલ વાંચન કરશે

વડાપ્રધાન રિશી સુનાક કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીની વિધિમાં બાઇબલ વાંચન કરશે. તેઓ બાઇબલમાંના કોલોસીઓના પુસ્તકમાંથી વાંચન કરશે. કોઇપણ રાજવી સમારોહમાં બ્રિટનના વડાપ્રધાન દ્વારા બાઇબલ વાંચનની પરંપરા અનુસાર સુનાક આ વાંચન કરશે. આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ જણાવ્યું હતું કે, તાજપોશીની સર્વિસમાં પહેલીવાર અન્ય ધર્મના અગ્રણીઓ સક્રિય ભુમિક ભજવશે.

કિંગની તાજપોશીમાં વડાપ્રધાન સુનાક અને અક્ષતા મૂર્તિ ફ્લેગ બેરર્સનું નેતૃત્વ કરશે

બકિંગહામ પેલેસે જણાવ્યું છે કે 6 મેના રોજ લંડનમાં વેસ્ટમિન્સ્ટર આબે ખાતે કિંગ ચાર્લ્સ તૃતિયના તાજપોશી સમારોહમાં હાઇ રેન્કિંગ રોયલ એર ફોર્સ કેટેડ દ્વારા યુકેનો ધ્વજ લઇ જવામાં આવશે ત્યારે બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ ફ્લેગ બેરર્સના પ્રોસેશનના વડા તરીકે હાજર રહેશે. વેસ્ટમિન્સ્ટર આબે ખાતેના પ્રથમ પ્રોસેશનમાં ધાર્મિક અગ્રણીઓ અને અન્ય ધર્મોના પ્રતિનિધિઓ સામેલ થશે. ત્યારબાદ દેશના અલગ અલગ પ્રદેશના પ્રતિનિધિઓ જોડાશે. દરેક પ્રદેશના ફ્લેગ રાષ્ટ્રીય પ્રતિનિધિઓ દ્વારા ધારણ કરાશે. તેમની સાથે ગવર્નર જનરલો અને વડાપ્રધાનો સામેલ થશે. વડાપ્રધાન રિશી સુનાક અને અક્ષતા મૂર્તિની આગળ યુકેના ફલેગ સાથે કેડેટ વોરંટ ઓફિસર ઇલિયટ ટાયસન લી રહેશે.

ઇતિહાસમાં પહેલીવાર તાજપોશીનું આલ્બમ તૈયાર કરી રિલીઝ થશે

આગામી મહિને યોજાનારી કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીની વિધિનું આલ્બમ તૈયાર કરાશે. બ્રિટિશ રાજાશાહીના ઇતિહાસમાં પહેલીવાર ઐતિહાસિક સમારોહનું રેકોર્ડિંગ કરીને વિશ્વભરમાં પહોંચાડવામાં આવશે. લેબલ ડેક્કા રેકોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે 6 મેના રોજ વેસ્ટમિન્સ્ટર આબે ખાતે યોજાનાર તાજપોશીની વિધિ તેમજ પ્રિ-સર્વિસ મ્યુઝિકનું રેકોર્ડિંગ કરીને ધ ઓફિશિયલ આલ્બમ ઓફ કોરોનેશન તરીકે રિલીઝ કરશે. 15મી મેના રોજ તેને રિલીઝ કરાશે. ચાર કલાકના આલ્બમમાં તાજપોશીની વિધિ અને મ્યુઝિક સામેલ કરાશે. જેમાં કિંગ ચાર્લ્સ દ્વારા મંજૂર કરાયેલી 12 નવી રચનાઓનો પણ સમાવેશ હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter