કિંગ ચાર્લ્સની તાજપોશીમાં પ્રિન્સ હેરી અને મેઘનને આમંત્રણ અપાશે

પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના મલિન આરોપો સામે રાજવી પરિવારનું ગૌરવપૂર્ણ મૌન

Wednesday 21st December 2022 05:50 EST
 
 

લંડન 

નેટફ્લિક્સ ઓનલાઇન પ્લેટફોર્મ પર વિસ્ફોટક દસ્તાવેજી ફિલ્મોમાં બ્રિટિશ રાજવી પરિવારના સભ્યો પર ગંભીર પ્રકારના આરોપો મૂક્યા હોવા છતાં કિંગ ચાર્લ્સ તૃતિયે પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ સામે સમાધાનનો અભિગમ અપનાવતાં તેમને આગામી વર્ષે યોજાનારી કિંગની તાજપોશીમાં આમંત્રણ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે આ અંગે હજુ કોઇ સત્તાવાર આમંત્રણ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલને પાઠવવામાં આવ્યું નથી પરંતુ રાજવી પરિવારના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે કિંગ ચાર્લ્સે તેમના પુત્ર અને પુત્રવધૂને જણાવ્યું છે કે તેઓ આ ઐતિહાસિક સમારોહમાં આવકાર્ય છે.

તાજેતરમાં નેટફ્લિક્સ પર જારી થયેલી દસ્તાવેજી ફિલ્મોમાં પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ દ્વારા રાજવી પરિવાર પર ઘણો કાદવ ઉછાળવામાં આવ્યો છે. આ દસ્તાવેજી ફિલ્મો દ્વારા આ દંપતિને લાખો પાઉન્ડની આવક થઇ છે. આ ઘટનાક્રમ બાદ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના રાજવી દરજ્જા છીનવી લેવાની માગ ઉગ્ર બની છે પરંતુ રાજવી પરિવારે આ મામલે ગૌરવપૂર્ણ મૌન જાળવી રાખવાનું વધુ પસંદ કર્યું છે.

રોયલ બાયોગ્રાફર સેલી બેડેલ સ્મિથે જણાવ્યું હતું કે, પ્રિન્સ હેરીએ તેમના પિતાને તેમના રાજવી દરજ્જા અને અધિકારો છીનવી લેવાની તક આપી છે. કિંગ ચાર્લ્સ તેમનો રાજવી દરજ્જો છીનવી લેવાનો અધિકાર પણ ધરાવે છે.

રાજવી પરિવાર પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના આરોપોનો જવાબ આપવા ઇચ્છતો નથી અને રાજવી પરિવારના સભ્યો જાહેર ટીકા છતાં પોતાની રોજિંદી જાહેર કામગીરી જારી રાખી રહ્યો છે. કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલા ક્રિસમસની સૌથી મોટી ઉજવણીની તૈયારી કરી રહ્યો છે. જોકે આ કાર્યક્રમમાં પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલને આમંત્રણ અપાયું નથી.

બ્રિટન રંગભેદી દેશ નથી – વડાપ્રધાન સુનાક

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરીમાં પ્રિન્સ હેરી અને મેઘન દ્વારા રાજવી પરિવાર અને બ્રિટનને રંગભેદી ગણાવવામાં આવ્યા છે ત્યારે વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે બ્રિટન વંશીય ભેદભાવ કરનારો દેશ નથી. રાજવી પરિવારનો બચાવ કરતા સુનાકે જણાવ્યું હતું કે, મને યુનાઇટેડ કિંગડ્મ પર ગર્વ છે. હું આજે બ્રિટનનો પ્રથમ એશિયન વડાપ્રધાન બની શક્યો છું તેના માટે મને મારા દેશ, તેની સંસ્કૃતિ, સહિષ્ણુતા અને સૌંદર્ય પર મને ગર્વ છે.

નેટફ્લિક્સ સહિતની સ્ટ્રીમિંગ સર્વિસને દંડવા ઓફકોમને વધુ અધિકાર અપાશે

બ્રોડકાસ્ટિંગના નિયમોના ઉલ્લંઘન માટે સ્ટ્રીમિંગ સેવાઓને દંડ ફટકારવા ટેલિવિઝન વોચડોગ ઓફકોમને વધુ સત્તાઓ આપવા વડાપ્રધાન રિશી સુનાક તૈયારી કરી રહ્યા છે. તાજેતરમાં નેટફ્લિક્સ દ્વારા પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલની ડોક્યુમેન્ટરી પ્રસારિત કરાઇ હતી જેમાં રાજવી પરિવાર પર બેફામ આરોપબાજી કરાતા મોટો વિવાદ સર્જાયો છે. હાલમાં નેટફ્લિક્સ નેધરલેન્ડમાંથી કાર્યરત હોવાથી તેને આ પ્રકારના નિયમોમાંથી મુક્તિ અપાઇ છે. ઓફકોમને નિયમોનું ઉલ્લંઘન કરનાર સ્ટ્રીમિંગ સર્વિસને 2,50,000 પાઉન્ડ અથવા તો તેની કુલ આવકના પાંચ ટકા સુધીનો દંડ કરવાની સત્તા અપાઇ શકે છે. તે ઉપરાંત વિવાદાસ્પદ શોમાં વોર્નિંગ અને ડિસક્લેઇમર્સ ફરજિયાત કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter