લંડનઃ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની આગામી સપ્તાહની સ્ટેટ વિઝિટ યુકે સાથેના સંબંધોને ચોક્કસપણે સુધારશે તેમ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે. તાજેતરના મહિનાઓમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુકેના પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મર વચ્ચેના સંબંધો વણસેલા છે. ઈરાન વિરુદ્ધ મિડલ ઈસ્ટ સંઘર્ષમાં ખેંચાવાની યુકેની નામરજીના વલણને ટ્રમ્પે ટેરિબલ ગણાવ્યું છે.
કિંગ ચાર્લ્સની આગામી સત્તાવાર મુલાકાત બે દેશો વચ્ચે ખરાબે ચડેલા સંબંધોને સુધારી શકશે તેવા બીબીસીના પ્રશ્નના ઉત્તરમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘ચોક્ક્સ, તેઓ અદ્ભૂત માનવી છે. હું તેમને સારી રીતે જાણું છું, વર્ષોથી ઓળખું છું. તેઓ બહાદુર અને મહાન માનવી છે. તેઓ નિશ્ચિતપણે પોઝિટિવ હશે.’ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા X પર શેર કરાયેલા વિડીયોમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ કહે છે ,‘હું કિંગ ચાર્લ્સના આગમન માટે ઉત્સુક છું. તેઓ મારા મિત્ર છે અમે વાતચીત કરી છે અને અમે સારો સમય વીતાવીશું.’ ટ્રમ્પની કોમેન્ટ્સ પ્રાઈમ મિનિસ્ટર સ્ટાર્મર માટે રાહતરૂપ બની રહેશે. ડાઉનિંગ સ્ટ્રીટમાં આશા સંધાઈ છે કે કિંગ અને ક્વીનની મુલાકાત યુકે-યુએસ સંબંધોને મજબૂતી બક્ષશે.
આ મહિનાના અંતે શરૂ થનારી સ્ટેટ વિઝિટમાં અમેરિકી સ્વાતંત્ર્યની 250મી વર્ષગાંઠની ઉજવણી મહત્ત્વની રહેશે. ચાર્લ્સ અને કેમિલા પણ બ્લોક પાર્ટીમાં ઉપસ્થિત રહેશે. કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા સૌપ્રથમ વખત પ્રાઈવેટ ટી પાર્ટીમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનીઆને મળશે. આ પછી, ટ્રમ્પ અને કિંગ પ્રસિદ્ધ ઓવલ ઓફિસમાં મંત્રણાઓ યોજશે જ્યારે કેમિલા અને મેલાનીઆ ઈવેન્ટમાં સાથે રહેશે.કિંગ ચાર્લ્સ યુએસ કોંગ્રેસ સમક્ષ સંબોધન કરશે. અગાઉ, ક્વીન એલિઝાબેથ દ્વિતીયે 1991માં સંયુક્ત સંબોધન કર્યા પછીની આ પ્રથમ ઘટના હશે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ કિંગ અને ક્વીન કેમિલા માટે સ્ટેટ બેન્ક્વેટની યજમાની પણ કરશે.
કિંગ ચાર્લ્સ 9/11 ઈવેન્ટમાં હાજરી આપશે
વોશિંગ્ટનઃ યુએસની મુલાકાત દરમિયાન કિંગ ચાર્લ્સ ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મામદાનીની સાથે 9/11 મેમોરિયલ પુષ્પાંજલિ કાર્યક્રમમાં હાજરી આપશે. જોકે, મામદાની અને કિંગ વચ્ચે ખાનગી મુલાકાત યોજાશે નહિ. 11 સપ્ટેમ્બર 2001ના દિવસે આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા હાઈજેક કરાયેલા જેટલાઈનર્સ વર્લ્ડ ટ્રેડ સેન્ટર બિલ્ડિંગ્સ સાથે અથડાવાના પરિણામે 67 બ્રિટિશરો સહિત આશરે 2606 લોકોના મોત નીપજ્યા હતા. બ્રિટિશ રાજવી તેમની 27થી 30 એપ્રિલની સ્ટેટ વિઝિટ દરમિયાન વોશિંગ્ટન ડીસી, ન્યૂ યોર્ક અને વર્જિનિયા ખાતે રોકાણ કરવાના છે.


