લંડનઃ કિંગ ચાર્લ્સ કેન્સરની સારવાર લઈ રહ્યા છે ત્યારે તેની કામચલાઉ આડઅસરોના કારણે ગત ગુરુવાર અને શુક્રવારના કાર્યક્રમો રદ કરવા અથવા ફેરફાર કરવાની ફરજ પડી હતી. 76 વર્ષીય કિંગ હાલમાં ક્લેરેન્સ હાઉસમાં છે પરંતુ, તબીબી સલાહ અનુસાર આરામ લીધો હતો. જોકે, તેઓ આગામી સપ્તાહે પુનઃ કાર્યરત બની જશે અને તેમની ઈટાલીની સત્તાવાર મુલાકાતને કોઈ વાંધો આવશે નહિ.
બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે 27 માર્ચ ગુરુવારે કેન્સર માટે નિયત અને ચાલી રહેલી મેડિકલ સારવાર પછી કિંગને હંગામી આડઅસરો અનુભવાઈ હતી. જેના પરિણામે, તેમને ટુંકા સમય માટે હોસ્પિટલમાં નીરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અને તેમના કાર્યક્રમો રદ કરાયા હતા. પેલેસના સૂત્રોએ જણાવ્યું હતું કે સારી રીતે ચાલી રહેલી સારવારમાં આવી આડઅસર માર્ગમાં નાના બમ્પ જેવી રહે છે.