કિંગ ચાર્લ્સને કેન્સર હોવાનું નિદાન

કિંગની સારવાર પેલેસ ખાતે જ શરૂ કરાઇ, સુનાક અને નરેન્દ્ર મોદીએ ઝડપી સાજાપણાની શુભેચ્છા પાઠવી, પ્રિન્સ હેરી અમેરિકાથી લંડન પહોંચ્યા

Tuesday 06th February 2024 14:29 EST
 
 

લંડન- કિંગ ચાર્લ્સ તૃતીયને કેન્સરનો રોગ લાગુ પડ્યો હોવાનું નિદાન થયું છે. બકિંગહામ પેલેસના જણાવ્યા અનુસાર કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટનું કેન્સર નથી પરંતુ તાજેતરમાં એનલાર્જ્ડ પ્રોસ્ટેટ માટેની સારવાર દરમિયાન આ નિદાન થયું હતું. કિંગ ચાર્લ્સની સારવાર શરૂ કરી દેવાઇ છે. તેઓ હાલ તેમની જાહેર ફરજોથી દૂર રહેશે. બકિંગહામ પેલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સની પ્રોસ્ટેટની સારવાર દરમિયાન ચિંતાજનક મામલો સામે આવ્યો હતો અને તેનું નિદાન કરતાં કિંગને કેન્સર હોવાનું જણાયું હતું.

75 વર્ષીય કિંગ તેમની સારવાર માટે ઘણા હકારાત્મક છે અને શક્ય એટલું ઝડપથી તેમની જાહેર કામગીરી શરૂ કરવા ઇચ્છે છે. તેમને થયેલા કેન્સર અંગે વધુ વિગતો જાહેર કરાઇ નથી. કિંગ ચાર્લ્સે તેમના બંને પુત્રને આ નિદાન અંગે જાણ કરી છે. પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ્સ સતત કિંગના સંપર્કમાં છે.

અમેરિકામાં રહેતા પ્રિન્સ હેરીએ પણ કિંગ સાથે વાત કરી હતી અને તેઓ યુકે પિતાની મુલાકાત લેવા મંગળવારે જ લંડન પહોંચી ગયા હતા.  કિંગ સોમવારે સવારે સેન્ડરિંગહામથી લંડન પહોંચ્યા હતા અને સારવાર શરૂ કરાઇ હતી. મંગળવારે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા ફરી એકવાર સેન્ડરિંગહામ રવાના થયા હતા. કિંગ દેશના વડા તરીકેની ભુમિકા ભજવવાનું જારી રાખશે. વડાપ્રધાન સુનાક સાથેની કિંગની મુલાકાતો પણ જારી રહેશે. યુકેના બંધારણમાં એવી જોગવાઇ છે કે જો દેશના વડા તેમની સત્તાવાર ફરજો બજાવવામાં નિષ્ફળ જાય તો કાઉન્સેલર્સ ઓફ સ્ટેટની નિયુક્તિ કરી શકાય છે. હાલમાં તેમાં ક્વીન કેમિલા, પ્રિન્સ વિલિયમ, પ્રિન્સેસ રોયલ અને પ્રિન્સ એડવર્ડનો સમાવેશ થાય છે. પ્રિન્સ હેરી અને ડ્યુક ઓફ યોર્ક નોન વર્કિંગ રોયલ્સ હોવાથી તેમને તેમાં સામેલ કરાયાં નથી.

પ્રિન્સ વિલિયમ પણ તેમની પત્નીની નાદુરસ્ત તબિયતના કારણે હાલ જાહેર ફરજોથી દૂર છે. તાજેતરમાં પ્રિન્સેસ કેટ પર સર્જરી કરવામાં આવી હતી. આગામી સપ્તાહથી તેઓ જાહેર ફરજો નિભાવવાનું શરૂ કરે તેવી સંભાવના છે.

વહેલું નિદાન થયું તે સારૂં છેઃ વડાપ્રધાન સુનાક

બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે કિંગ ચાર્લ્સને ઝડપથી સાજાપણાની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું હતું કે, કિંગ ઝડપથી સાજા થઇને સંપુર્ણ ક્ષમતા સાથે ફરજ પર પાછા ફરશે. સમગ્ર દેશ તેમની સુખાકારીની પ્રાર્થના કરી રહ્યો છે. સારું થયું કે કિંગના કેન્સરનું વહેલું નિદાન થયું છે.

વિશ્વભરના નેતાઓએ કિંગ ચાર્લ્સની સુખાકારીની શુભેચ્છા પાઠવી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ કિંગ ચાર્લ્સને સુખાકારીની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે, હું કિંગ ચાર્લ્સને સારા આરોગ્ય અને ઝડપી રિકવરીની શુભેચ્છા પાઠવવામાં ભારતની જનતા સાથે જોડાઉં છું. અમેરિકાના પ્રમુખ જો બાઇડને જણાવ્યું હતું કે, કેન્સરના નિદાન, સારવાર અને સાજાપણા માટે આશા અને સાહસની જરૂર હોય છે. હું અને જિલ કિંગ ચાર્લ્સના આરોગ્ય માટે યુકેની જનતા સાથે પ્રાર્થનામાં જોડાઇએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter