કિંગ ચાર્લ્સનો ક્રિસમસ સંદેશઃ ધર્મો વચ્ચે સેતૂ નિર્માણનું આહવાન

પર્યાવરણની જાળવણી તમામ ધર્મના લોકોની જવાબદારીઃ કિંગ ચાર્લ્સ

Wednesday 03rd January 2024 08:44 EST
 
 

લંડનઃ યુકેની રાજગાદી પર આરૂઢ થયા પછીના પોતાના બીજા ક્રિસમસ સંદેશામાં કિંગ ચાર્લ્સ તૃતિયે સહિયારા મૂલ્યો અને વિશ્વમાં વધી રહેલા સંઘર્ષ સામે એકતાનું આહવાન કર્યું હતું. ઇઝરાયેલ-ગાઝા અને યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મધ્યે કિંગ ચાર્લ્સે મુખ્ય ધર્મોને જોડતાં સાર્વત્રિક મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો.

બકિંગહામ પેલેસના સેન્ટ્રલ રૂમમાંથી ક્રિસમસ સંદેશ આપતા કિંગ ચાર્લ્સે ધર્મો વચ્ચે સેતૂઓનું નિર્માણ કરવા, પર્યાવરણને બચાવવા અને સમાજના નબળા વર્ગના લોકોની કાળજી લેવા અપીલ કરી હતી. પ્રભુ ઇસુ ખ્રિસ્તના શિક્ષણમાંથી પ્રેરણાનું આહવાન કરતાં કિંગે જણાવ્યું હતું કે, તમે જેવી અન્ય પાસેથી અપેક્ષા રાખો છો તેવું જ અન્યો સાથે પણ કરો. વધી રહેલા યુદ્ધોના આ સમયમાં આ એક માર્ગદર્શક સિદ્ધાંત છે. કિંગ ચાર્લ્સે અબ્રાહમિક ફેમિલીના ધર્મો યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના સમાન આધારનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સહિષ્ણુતા અને કરૂણાનું આહવાન કરતાં કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, હું પ્રાર્થના કરું છું કે આપણે એકબીજાની સુરક્ષા માટે આપણી પાસેની સત્તાનો મહત્તમ ઉપયોગ કરીએ. તેમણે જનતાને પોતાના પાડોશીના સ્થાને મૂકીને જોવા અને જેમ પોતાના પર તેવો જ પ્રેમ પાડોશી પર કરવા અપીલ કરી હતી.

કિંગના સંદેશામાં પર્યાવરણનો મુદ્દો પણ કેન્દ્ર સ્થાને રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પૃથ્વીની કાળજી તમામ ધર્મના લોકો અને નાસ્તિકોની પણ છે. તેમણે પર્યાવરણ અને આધ્યાત્મિકતા વચ્ચેના સંબંધ પર પણ ભાર મૂક્યો હતો.

પ્રભુ ઇસુના જન્મ સમયે ભરવાડોને દૂતો દ્વારા અપાયેલી વધામણીમાં ભરવાડોની ભુમિકાનો ઉલ્લેખ કરતાં કિંગ ચાર્લ્સે ક્રિસમસ અને પૃથ્વીની કાળજીની જરૂરીયાત વચ્ચેનો સંબંધ ઉજાગર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter