કિંગ ચાર્લ્સે અનંત શાહને એનાયત ઓબીઇનો માનદ ખિતાબ પરત ખેંચ્યો

તેમના પિતા સ્વર્ગસ્થ મેઘજી પેથરાજ શાહ એક સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગસાહસિક હતા

Tuesday 21st April 2026 12:23 EDT
 
 

લંડન: કિંગ ચાર્લ્સે નવ વ્યક્તિઓના માનદ ખિતાબ રદ કરવાનો આદેશ આપ્યો છે. બ્રિટિશ રાજવી દ્વારા OBE, MBE અને BEM જેવા સન્માન એનાયત કરવામાં આવે છે, પરંતુ જો સન્માનિત વ્યક્તિ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં દોષિત ઠરે અથવા તેમનું વર્તન સન્માન પ્રણાલીને કલંકિત કરનારું જણાય તો આ ખિતાબ પાછા ખેંચવાની સત્તા પણ કિંગ પાસે રહેલી છે.

કિંગના આદેશ અનુસાર 10 ઓક્ટોબર 2020ના રોજ અનંતકુમાર મેઘજી પેથરાજ શાહને એનાયત કરવામાં આવેલ 'ઓફિસર ઓફ ધ સિવિલ ડિવિઝન ઓફ ધ મોસ્ટ એક્સલેન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર' (OBE) ની નિમણૂક રદ કરવામાં આવી છે. આ સાથે જ તેમનું નામ સત્તાવાર રજિસ્ટરમાંથી રદ કરી દેવાયું છે. જોકે, કેબિનેટ ઓફિસે આ મામલે કોઈ ચોક્કસ કારણ આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે, અમે વ્યક્તિગત સન્માનોના વિષય પર કોઈ ટિપ્પણી કરતા નથી.

નૈરોબીમાં જન્મેલા અને લંડનમાં શિક્ષણ મેળવનાર અનંત શાહને શિક્ષણ, આરોગ્ય અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે તેમની સેવાઓ બદલ સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા આ સન્માન આપવામાં આવ્યું હતું. તેઓ ટ્રીઝ ફોર સિટીઝ, આઈ-પાર્ટનર ઈન્ડિયા અને એનિમલ ઇન્ટરફેથ એલાયન્સ જેવી અનેક સેવાભાવી સંસ્થાઓમાં ટ્રસ્ટી અને પેટ્રન તરીકે કાર્યરત હતા.

અનંત શાહે 1973માં તેમના ભાઈ વિપિન સાથે મળીને મેઘરાજ ગ્રુપની નાણાકીય સેવા શાખાની સહ-સ્થાપના કરી હતી. વર્ષ 2000માં બંધ થયેલી 'મેઘરાજ બેંક'ના ભૂતપૂર્વ કર્મચારીઓના પેન્શનની લેણી રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવ્યા બાદ 2024માં હાઈકોર્ટે અનંત શાહને નાદાર  જાહેર કર્યા હતા.

અત્રે અનંતના પિતા મેઘજી પેથરાજ શાહનો ભવ્ય વારસો નોંધનીય છે. સ્વર્ગસ્થ મેઘજી પેથરાજ શાહ એક સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગસાહસિક હતા. તેમણે પોતાની સંપત્તિનો ઉપયોગ આફ્રિકા, ભારત અને યુકેમાં અનેક સામાજિક કાર્યો માટે કર્યો હતો. ભારતમાં તેમનું સૌથી નોંધપાત્ર પ્રદાન જામનગરમાં મેડિકલ કોલેજની સ્થાપના છે. આદર્શ મૂલ્યો ધરાવતા મેઘરાજભાઈને આજે પણ લોકો આદરપૂર્વક યાદ કરે છે. તેમના પત્ની મણીબેન પણ સમાજમાં અત્યંત પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter