લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયે 12 નવેમ્બર રવિવારના રોજ લંડનમાં નેશનલ મેમોરિયલ સર્વિસનું નેતૃત્વ કરીને યુકે માટે શહાદત વહોરનાર તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સેનોટાફ તરીકે જાણીતા નેશનલ વોર મેમોરિયલની આસપાસ મેટ્રોપોલિટન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જેથી કોઇપણ અનિચ્છનિય બનાવ ટાળી શકાય. આ પ્રસંગે હજારો માજી લશ્કરી કર્મચારીઓએ સેનોટાફ ખાતે પરેડ કરી હતી. આ માર્ચ મહદ્દ અંશે શાંત રહી હતી પરંતુ કેટલાક જમણેરી કટ્ટરવાદીઓ દ્વારા વિરોધ દ્વારા તેમાં ખલેલનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે પ્રિન્સ ઓફ વેલ્સ સહિતના રાજવી પરિવારના સભ્યો સર્વિસમાં જોડાયાં હતાં.
વડાપ્રધાન રિશી સુનાકે આ પ્રસંગે જણાવ્યું હતું કે, તાજેતરની ઘટનાઓ આપણને સંકેત આપે છે કે આપણે આકરી મહેનતથી હાંસલ કરેલી શાંતિને હળવાશથી લઇ શકાય નહીં. દેશની સુરક્ષા અને મૂલ્યોના જતન માટે પોતાના જીવનોની આહૂતિ આપનારા તમામને હું રાષ્ટ્ર વતી શ્રદ્ધાંજલિ અર્પું છું. આપણે તેમના અમૂલ્ય બલિદાનોને ક્યારેય વિસરી જઇશું નહીં.
રોયલ આલ્બર્ટ હોલ ખાતે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપની પ્રતિમાઓનું અનાવરણ
કિંગ ચાર્લ્સ તૃતીયે રોયલ આલ્બર્ટ હોલ ખાતે પોતાના સ્વર્ગસ્થ માતાપિતાને શ્રદ્ધાંજલિ અર્પતાં તેમની કાંસ્ય પ્રતિમાઓનું અનાવરણ કર્યું હતું. રિમેમ્બરન્સના વાર્ષિક પર્વમાં હાજરી આપતાં પહેલાં કિંગ અને ક્વીન અનાવરણ સમારોહમાં જોડાયાં હતાં. આ પ્રતિમાઓની ડિઝાઇન ક્વીન એલિઝાબેથ સ્કોલરશિપ ટ્રસ્ટના સ્કોલર પોપી ફિલ્ડ દ્વારા તૈયાર કરાઇ હતી.
પ્રિન્સ હેરીએ પિતા કિંગ ચાર્લ્સને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
પ્રિન્સ હેરીએ તેમના પિતા કિંગ ચાર્લ્સ તૃતીયને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં પિતા-પુત્ર વચ્ચે સંબંધના તાંતણા પુનઃસંધાય તેવી આશા છે. પ્રિન્સ હેરીએ મંગળવારે કેલિફોર્નિયાથી પિતાને 75મા જન્મદિવસની શુભેચ્છા પાઠવવા ફોન કર્યો હતો. કિંગ ચાર્લ્સે ડચેસ ઓફ સસેક્સ મેઘન મર્કેલ સાથે પણ વાત કરી હતી અને પ્રિન્સ આર્ચી તથા પ્રિન્સેસ લિલિબેટે દાદાને શુભેચ્છા પાઠવતો વીડિયો રેકોર્ડ કર્યો હોવાનું પણ મનાય છે.


