કિંગ ચાર્લ્સે પ્રિન્સ એન્ડ્રુના યોગ ગુરૂ માટેનો ખર્ચ આપવાનો ઇનકાર કરી દીધો

પ્રિન્સ એન્ડ્રુ ભારતીય યોગ ગુરૂને દર વર્ષે 32000 પાઉન્ડ ચૂકવે છે

Tuesday 14th March 2023 14:43 EDT
 
 

લંડન

કિંગ ચાર્લ્સ તૃતિયે તેમના ભાઇ પ્રિન્સ એન્ડ્રુને તેમના ભારતીય ગુરૂ માટે પ્રતિ વર્ષ 32000 પાઉન્ડનો ખર્ચ આપવાનો ઇનકાર કરી દીધો છે. પ્રિન્સ એન્ડ્રુએ કિંગ સમક્ષ આ ખર્ચનો દાવો કર્યો હતો. પરંતુ કિંગે તેમની આ વિનંતી ઠુકરાવી દીધી હતી અને પ્રિન્સને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેમણે તેમના યોગ શિક્ષક માટેનો ખર્ચ જાતે જ ઉપાડવાનો રહેશે. ડ્યુક ઓફ યોર્ક છેલ્લા ઘણા વર્ષથી એક ભારતીય યોગ ગુરૂ પાસેથી યોગનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.

આ ભારતીય યોગ ગુરૂ પ્રિન્સના રોયલ લોજમાં આવીને એક મહિનો રહે છે અને તેમને યોગનું શિક્ષણ, મંત્રોચ્ચાર, મસાજ અને હોલિસ્ટિક થેરાપી આપે છે. સ્વર્ગસ્થ ક્વીન એલિઝાબેથ દર વર્ષે પ્રિન્સ એન્ડ્રુના યોગ ગુરૂના ખર્ચને મંજૂરી આપતા હતા અને એમ કહેવાય છે કે પ્રિન્સની આ જીવનચર્યાથી ક્વીન ઘણા ખુશ હતાં.

પરંતુ ચાર્લ્સ કિંગ બન્યા છે ત્યારથી તેઓ પેલેસના ખર્ચ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. ક્વીન એલિઝાબેથ પ્રિન્સ એન્ડ્રુની આ પ્રકારની પ્રવૃત્તિઓથી ઘણા ખુશ રહેતાં હતાં પરંતુ કિંગ ચાર્લ્સ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના આ સમયમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને નકારી રહ્યાં છે. એકતરફ પરિવારો મોંઘવારી સામે ઝઝૂમી રહ્યાં છે ત્યારે પ્રિન્સ એન્ડ્રુ દ્વારા એક ભારતીય ગુરૂ પાછળ હજારો પાઉન્ડ વેડફવામાં આવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter