કિંગ ચાર્લ્સે બંને પુત્રોને આજીજી કરી હતી કે મારા જીવનના પાછલા વર્ષો દોહ્યલાં ન બનાવો

પ્રિન્સ હેરીની આત્મકથા રાજવી પરિવારના તાણાવાણા વિખેરી નાખે તેવો ભય, સ્પેર નામની આત્મકથામાં પ્રિન્સ હેરીએ મોટાભાઇ પ્રિન્સ વિલિયમ પર ગંદી રમતો રમવાના આરોપો મૂક્યાં

Wednesday 11th January 2023 05:38 EST
 
 

લંડન

નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મ પર દસ્તાવેજી ફિલ્મો દ્વારા પોતાના જ પરિવારના સભ્યો સામે ગંભીર આરોપ મૂકનાર પ્રિન્સ હેરીની આત્મકથા પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે ત્યારે તેના લીક થયેલા કેટલાક અંશો દર્શાવે છે કે બ્રિટિશ રાજવી પરિવારના બે મુખ્ય વારસ એવા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી વચ્ચે ઘણા ગંભીર મતભેદો ચાલ્યા આવે છે. પ્રિન્સ હેરીએ તેમની આત્મકથામાં પ્રિન્સ વિલિયમ પર મારામારી કરવા અને તેમની સાથે ગંદી રમતો રમવાના આરોપો મૂક્યા છે ત્યારે એક પિતા તરીકે કિંગ ચાર્લ્સ તૃતિયનું હૃદય વલોપાત કરી રહ્યું છે.

સ્પેર નામની આત્મકથામાં પ્રિન્સ હેરીએ જણાવ્યું છે કે પ્રિન્સ ફિલિપની અંતિમ ક્રિયા બાદ એપ્રિલ 2021માં અમારી મુલાકાત દરમિયાન પિતા કિંગ ચાર્લ્સ અમારી વચ્ચે સુલેહની આશા વ્યક્ત કરી રહ્યાં હતાં. તેમણે અમને બંને ભાઇઓને દુઃખી હૃદયે જણાવ્યું હતું કે, મહેરબાની કરીને મારા દીકરાઓ મારા જીવનના અંતિમ વર્ષો મારા માટે દુઃખદાયક ન બનાવશો.

પ્રિન્સ હેરીની આત્મકથા બ્રિટિશ રાજવી પરિવારના બે રાજકુમારો વચ્ચેના સંબંધોને વધુ નુકસાન પહોંચાડે તેવી સંભાવના છે. આ પુસ્તકમાં પ્રિન્સ હેરીએ તેના મોટાભાઇ અને રાજગાદીના વારસ એવા પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ વિરુદ્ધ ઘણા ગંભીર આરોપ મૂક્યા હોવાનું મનાય છે. પ્રિન્સ હેરીએ આ પુસ્તકમાં કિંગ ચાર્લ્સ સામે એવા કોઇ ગંભીર આરોપ મૂક્યા નથી પરંતુ નેટફ્લિક્સની સીરિઝમાં પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેઘન દ્વારા કિંગ ચાર્લ્સ અને અન્ય વરિષ્ઠ રાજવી સભ્યો પર મૂકાયેલા આરોપોના કારણે કિંગ ચાર્લ્સ ઘણા હતાશ છે. પ્રિન્સ હેરીના પગલાંથી કિંગને ઘણું દુઃખ થયું છે તેમ છતાં તેઓ પ્રિન્સ હેરી સાથે સંબંધ જારી રાખવા ઇચ્છે છે.

જનતાને હજુ રાજવી પરિવાર પર ગૌરવ – રિશી સુનાક

પ્રિન્સ હેરી દ્વારા રાજવી પરિવાર પર સતત થઇ રહેલા આક્રમણ મધ્યે વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, જનતાને હજુ રાજવી પરિવાર પર ગૌરવ છે. મેમાં યોજાનારી કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશી દેશને એકજૂથ થવાની તક પૂરી પાડશે. પ્રિન્સ હેરી દ્વારા કરાયેલા આરોપો છતાં રાજવી પરિવાર પ્રત્યેની જનતાની લાગણી પર કોઇ અસર થવાની નથી.

સ્પેરમાં પ્રિન્સ હેરી દ્વારા કરાયેલા દાવાઓ

1 મેં અને વિલિયમે પિતાને કેમિલા સાથે લગ્ન ન કરવા વિનંતી કરી હતી

પ્રિન્સ હેરીએ પુસ્તકમાં જણાવ્યું હતું કે, મેં અને વિલિયમે હાલના ક્વીન કોન્સોર્ટ કેમિલા સાથે લગ્ન ન કરવા મારા પિતાને વિનંતી કરી હતી. અમને ભય હતો કે તેઓ એક બદતર સાવકી માતા પૂરવાર થશે પરંતુ સાથે સાથે જો તે અમારા પિતાને ખુશ રાખે તો તેમને માફ કરી દેવા પણ તૈયાર હતા.

2 વિલિયમે મારી સાથે મારામારી કરી મને જમીન પર પછાડ્યો હતો

પ્રિન્સ હેરીએ દાવો કર્યો છે કે એકવાર પ્રિન્સ વિલિયમે લંડન કોટેજ ખાતે મારો કોલર પકડી લીધો હતો અને મારી સાથે મારામારી કરી મને જમીન પર પછાડ્યો હતો. પ્રિન્સ વિલિયમે મેગન અંગે કરેલી ટિપ્પણીઓના કારણે આ લડાઇ થઇ હતી. પ્રિન્સ વિલિયમે મેગનને ક્રુર ગણાવી હતી. 

3 17 વર્ષની વયે મેં મારું કૌમાર્ય ગુમાવ્યું, હેરોઇનનો નશો કર્યો

પ્રિન્સ હેરીએ દાવો કર્યો હતો કે 17 વર્ષની વયે એક પબની પાછળ આવેલા ખેતરમાં એક પ્રૌઢ મહિલા સાથે શરીરસંબંધ બાંધીને મેં મારું કૌમાર્ય ગુમાવ્યું હતું. આ એક ધિક્કારપાત્ર અનુભવ હતો. મેં 17 વર્ષની વયે જ પહેલીવાર હેરોઇનનો નશો કર્યો હતો.

4 વિલિયમ અને કેટે મને નાઝી પરિવેશ ધારણ કરવા ઉશ્કેર્યો હતો

પ્રિન્સ હેરીએ પુસ્તકમાં જણાવ્યું છે કે 2005ની ડ્રેસ પાર્ટીમાં નાઝી પરિવેશ ધારણ કરવા પ્રિન્સ વિલિયમ અને કેટ વિલિયમ્સે મને ઉશ્કેર્યો હતો અને ત્યારબાદ મને મજાકનું પાત્ર બનાવ્યો હતો.

5 મેં અફઘાનિસ્તાનમાં 25 તાલિબાન લડાકુઓને મારી નાખ્યા હતા

પ્રિન્સ હેરીએ દાવો કર્યો હતો કે મેં 2112-13માં અફઘાનિસ્તાનમાં હેલિકોપ્ટર પાયલટ તરીકેની સેવા આપતાં 25 તાલિબાન લડાકુઓને મારી નાખ્યા હતા. યુદ્ધના એ સમયમાં મેં તેમને 25 માનવી નહીં પરંતુ 25 ચેસના પ્યાદાં જ ગણ્યા હતા. ખરાબ લોકો સારા લોકોની હત્યા કરે તે પહેલાં જ મોતને ઘાટ ઉતારી દેવાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter