લંડનઃ બે દાયકાથી વધુ સમયથી ભાડૂઆતોનું શોષણ કરનારા પશ્ચિમ લંડનના ભારતીય મૂળના વેપારી નિરપોલ રિયાતને એનાયત કરાયેલો ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE) નો ખિતાબ કિંગ ચાર્લ્સે પાછો ખેંચી લીધો છે.
વર્ષ 2023માં નિરપોલ રિયાતને અસહ્ય અને દયનીય સ્થિતિમાં ઓરડાઓ ભાડે આપવા બદલ હૌન્સલો ખાતે 3,00,000 પાઉન્ડનો ભારે દંડ કરાયો હતો. કોર્ટમાં પુરવાર થયું હતું કે રિયાતે મકાનોમાં ગેરકાયદેસર રીતે ફેરફાર કરીને નાના ફ્લેટ્સ બનાવ્યા હતા અને આઉટહાઉસ જેવી જગ્યાઓ ગરીબ તથા મજબૂર લોકોને ભાડે આપી હતી. આ મકાનોમાં ભેજ, બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ, પૂરતા પ્રકાશ અને ગરમ પાણીનો અભાવ તેમજ સીલન અને ફૂગ જેવી ગંભીર સમસ્યાઓ હતી.
કેબિનેટ ઓફિસના જણાવ્યા અનુસાર, તેમના આ વર્તનને કારણે રોયલ ઓનર્સ સિસ્ટમની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમને 2011માં દાન-પુણ્ય અને સામાજિક કાર્યો માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.


