કિંગ ચાર્લ્સે મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કદમ્બ વૃક્ષનો છોડ ભેટ આપ્યો

Tuesday 23rd September 2025 11:36 EDT
 
 

લંડનઃ બ્રિટિશ રાજવી કિંગ ચાર્લ્સ તૃતીયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 75મા જન્મદિવસની શુભેચ્છા પાઠવતા મોદી દ્વારા કરાયેલી એક પેડ મા કે નામ પહેલ અંતર્ગત કદમ્બ વૃક્ષનો છોડ ભેટ તરીકે મોકલાવ્યો હતો. ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશને જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સ જન્મદિવસની શુભેચ્છા અને ભેટ માટે ઘણી ખુશી અનુભવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનની મુલાકાત સમયે કિંગ ચાર્લ્સને સોનોમા ટ્રીની ભેટ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિંગ ચાર્લ્સે ભેટમાં આપેલ છોડને તેમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોકકલ્યાણ માર્ગ ખાતે રોપ્યો હતો.

હંમેશા સારા મિત્ર રહેલા મોદીને જન્મદિવસની શુભેચ્છાઃ રિશી સુનાક

યુકેના પૂર્વ વડાપ્રધાન રિશી સુનોકે નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, મોદી હંમેશા સારા મિત્ર રહ્યાં છે. યુકે અને ભારત વચ્ચે મજબૂત બની રહેલા સંબંધોથી હું ઘણો ખુશ છું. એક બ્રિટિશ ભારતીય પરિવારના સભ્ય તરીકે આ સંબંધ મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે.

બોબ બ્લેકમેને નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું

ભારત સમર્થક સાંસદ બોબ બ્લેકમેને 17 સપ્ટેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની વિશેષ ઉજવણીનું આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, મેં પાર્લામેન્ટ હાઉસમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે આમંત્રિતોએ મોદી માસ્ક પહેરીને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter