કિંગ ચાર્લ્સે યુકેને સમૃદ્ધ બનાવતી સુનાકની રૂપરેખા રજૂ કરી

આગામી સંસદની ચૂંટણી પહેલાં ક્રિમિનલ જસ્ટિસ, પોલિસિંગ, હાઉસિંગ, એનર્જી અને એન્વાયરમેન્ટ, ટેકનોલોજી – મીડિયા અને સામાજિક બદલાવો માટે 21 ખરડા રજૂ કરવાની સુનાક સરકારની નેમ

Tuesday 07th November 2023 12:37 EST
 
 

લંડનઃ મે 2022માં યુકેની રાજગાદી પર આરૂઢ થયેલા કિંગ ચાર્લ્સ તૃતીયે 7 નવેમ્બર મંગળવારના રોજ રાજા તરીકે પહેલીવાર સંસદને સંબોધન કર્યું હતું. કિંગના સંબોધનના માધ્યમથી વડાપ્રધાન રિશી સુનાકે ભવિષ્યના પડકારો સામે સરકાર સજ્જ થઇ રહી હોવાની ઘોષણા કરી હતી. કિંગ ચાર્લ્સે આગામી સંસદીય ચૂંટણી પહેલાંની સરકારની સંસદીય પ્રાથમિકતાઓ જાહેર કરી હતી.

કિંગ ચાર્લ્સે તેમના સંબોધનમાં સરકાર દ્વારા રજૂ થનારા 21 ખરડાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન રિશી સુનાક દ્વારા કિંગના સંબોધનના માધ્યમથી આ ખરડાઓને યુકેને વધુ સમૃદ્ધ, વધુ સંશોધનાત્મક અને વધુ સુરક્ષિત બનાવવાની રૂપરેખા રજૂ કરાઇ હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલા 21 ખરડા પૈકીના 33 ટકા અંગે અગાઉથી કોઇને કોઇ સ્વરૂપે જાહેરાત થઇ ચૂકી છે.

સુનાક સરકારે અર્થતંત્રની વૃદ્ધિની થીમ સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે. સરકાર આ માટે ઓઇલ અને ગેસના લાયસન્સ વાર્ષિક ધોરણે જારી કરવા, ગ્રાહકોને બિનજરૂરી ફી સામે સંરક્ષણ આપવા, એશિયા – પેસિફિક દેશો સાથેની ભાગીદારીઓ અંગેના ખરડા રજૂ કરશે. સમાજને મજબૂત બનાવવા લીઝહોલ્ડ સિસ્ટમમાં સુધારા, ફૂટબોલ રેગ્યુલેટરની નિયુક્તિ કરવા, ભાડૂઆતોને સંરક્ષણ આપતા ખરડા પણ રજૂ કરશે. જનતાને સુરક્ષા પ્રદાન કરવા આજીવન કેદની સજાઓ વધુ આકરી બનાવવા અને પોલીસને વધુ સત્તાઓ આપવા પણ ખરડા લવાશે. સરકાર સિગારેટ અને વેપ્સના વેચાણ પર તબક્કાવાર પ્રતિબંધ લાદવા, નાના રેલવે પ્રોજેક્ટ શરૂ કરવાના પણ ઇરાદા જાહેર કરી ચૂકી છે.

સુનાક એજન્ડા એટ એ ગ્લાન્સ

1 સેન્ટેન્સિંગ બિલ – ખૂંખાર હત્યારા અને બળાત્કારીઓને મુદત પહેલાં મુક્ત નહીં કરાય, પેરોલ નહીં અપાય, હળવા અપરાધો માટે કોમ્યુનિટી સર્વિસની જોગવાઇ

2 ક્રિમિનલ જસ્ટિસ બિલ – અપરાધીઓને સુનાવણીમાં હાજર રાખવા માટેની જોગવાઇ, પોલીસને વોરંટ વિના ઇમારતમાં પ્રવેશ અને ચોરીનો સામાન જપ્ત કરવા સહિતની નવી સત્તાઓ

3 વિક્ટિમ્સ અને પ્રિઝનર્સ બિલ – ચોક્કસ કેદીઓને લગ્ન કરતાં અટકાવાશે, ક્રાઇમ વિક્ટિમ માટે નવા અધિકારો, પેરેન્ટ્સ રાઇટ્સ પરર જેડ્સ લો લવાશે

4 ઇન્વેસ્ટિગેટરી પાવર્સ એમેન્ડમેન્ટ બિલ – તપાસ એજન્સીઓને પર્સનલ ડેટાનો ઉપયોગ કરવાની પરવાનગી

5 ટેરરિઝમ પ્રોટેક્શન ઓફ પ્રિમાઇસિસ બિલ – યુકેના સ્થળો માટે એન્ટી ટેરર પ્લાન તૈયાર કરાશે

6 લીઝહોલ્ડ અને ફ્રીહોલ્ડ બિલ – નવા મકાનો માટે લીઝહોલ્ડ પર પ્રતિબંધ, સ્ટાન્ડર્ડ લીઝ પીરિયડ 990 વર્ષ કરાશે

7 રેન્ટર્સ રિફોર્મ બિલ – નો ફોલ્ટ ઇવિક્શન પર પ્રતિબંધ લદાશે

8 ઓફશોર પેટ્રોલિયમ લાયસન્સિંગ બિલ – નોર્થ સીમાં ઓઇલ અને ગેસ પ્રોજેક્ટ માટે વાર્ષિક ધોરણે લાયસન્સ જારી કરાશે

9 એનિમલ વેલ્ફેર બિલ – ગ્રેટ બ્રિટનમાંથી કતલ માટે મોકલાતા પશુઓ પર પ્રતિબંધ આવશે

10 ઓટોમેટેડ વ્હિકલ બિલ – ગ્રેટ બ્રિટનમાં સેલ્ફ ડ્રાઇવિંગ કાર માટે માળખું તૈયાર કરાશે

11 ડિજિટલ માર્કેટ્સ, કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર બિલ – ગ્રાહક અધિકાર વધુ સશક્ત બનાવાશે

12 ડેટા પ્રોટેક્શન એન્ડ ડિજિટલ ઇન્ફર્મેશન બિલ – ઇયુની ડેટા પ્રોટેક્શન વ્યવસ્થામાંથી મુક્તિ

13 મીડિયા બિલ – મીડિયા કંપનીઓ પર દાવો કરનારા લોકોના લીગલ બિલ ચૂકવવામાંથી મુક્તિ

14 ટોબેકો એન્ડ વેપ્સ બિલ – ધુમ્રપાન પર તબક્કાવાર પ્રતિબંધની જોગવાઇ

15 ફૂટબોલ ગવર્નન્સ બિલ – ઇંગ્લિશ પ્રોફેશનલ ફૂટબોલ માટે ફૂટબોલ રેગ્યુલેટર

16 પેડિકેબ્સ લંડન બિલ – લંડનમાં પેડલ પાવર્ડ ટેક્સી કેબને નિયંત્રિત કરવાની સત્તા અપાશે

17 આર્બિટ્રેશન બિલ – અદાલતમાં ગયા વિના વિવાદના ઉકેલની જોગવાઇ

18 ટ્રેડ બિલ – યુકેને 11 દેશના સીપીટીપીપી ટ્રેડ પેક્ટમાં જોડાવાની મંજૂરી

19 હોલોકોસ્ટ મેમોરિયલ બિલ – વિક્ટોરિયા ટાવર ગાર્ડન્સ નજીક હોલોકોસ્ટ મેમોરિયલનું નિર્માણ

20 ઇકોનોમિક એક્ટિવિટિઝ બિલ – જાહેર સંસ્થાઓ ઇઝરાયેલનો બહિષ્કાર કરી શકશે નહીં

21 રેલ રિફોર્મ બિલ – રેલવે પર નજર રાખવા નવી સંસ્થાની રચના કરાશે

દેશ સારા માર્ગે પ્રગતિ કરી રહ્યો છેઃ વડાપ્રધાન રિશી સુનાક

કિંગ ચાર્લ્સના સંબોધનની પ્રશંસા કરતા વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, દેશ સારા માર્ગે પ્રગતિ કરી રહ્યો છે. એક વર્ષ પહેલાં હું 10 ડાઉનિંગ સ્ટ્રીટના પગથિયાં પર ઊભો હતો અને દેશની જનતાની સેવા કરવાનું વચન આપ્યું હતું. આજે તેના સ્પષ્ટ પરિણામ મળી રહ્યાં છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ફુગાવાના દરમાં ઘટાડો થઇ રહ્યો છે જેના કારણે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ પણ હળવી બની છે. એનએચએસના વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરવાની જરૂર છે પરંતુ અમે આ દિશામાં સારી પ્રગતિ કરી શક્યાં છીએ. અમે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા પણ ઘટાડી શક્યાં છીએ. આ વર્ષે તેમની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. સુનાકે જણાવ્યું હતું કે, હું જે હાંસલ થઇ શકે તેની જ મહત્વાકાંક્ષા ધરાવું છું. અમે ઉજ્જવળ ભવિષ્ય માટે લાંબાગાળાના નિર્ણયો લઇ રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter