લંડન
કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશી થવા જઇ રહી છે ત્યારે ઘણાના મનમાં સવાલ હશે કે તેમના શિર પર કયો તાજ મૂકવામાં આવશે. સેંકડો વર્ષોથી મૂલ્યવાન તાજ અને હીરા ઝવેરાત રાજવી ટ્રસ્ટમાં સંગ્રહિત છે. 6 મેના રોજ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાને ટાવર ઓફ લંડનમાં સંગ્રહિત તાજ પહેરાવવામાં આવશે. કિંગ ચાર્લ્સ સેન્ટ એડવર્ડ ક્રાઉન અને ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન પહેરશે જ્યારે ક્વીન કેમિલાના શિર પર ક્વીન મેરીનો તાજ પહેરાવવામાં આવશે.
સેન્ટ એડવર્ડ ક્રાઉન
17મી સદીથી ઇંગ્લેન્ડના રાજાની તાજપોશી સેન્ટ એડવર્ડ ક્રાઉનથી જ થતી આવી છે. સેન્ટ એડવર્ડ ક્રાઉનનું નિર્માણ 1661માં કિંગ ચાર્લ્સ દ્વિતિય માટે કરાયું હતું.અસલ મધ્યયુગીન તાજને 1649માં જ પીગળાવી દેવામાં આવ્યો હતો. આ તાજ 11મી સદીમાં ઇંગ્લેન્ડના છેલ્લા એન્ગ્લો સેક્સોન કિંગ અને રોયલ સેન્ટ એડવર્ડ ધ કન્ફેસરનો હતો. 1661માં નવો સેન્ટ એડવર્ડ ક્રાઉન જ્વેલર રોબર્ટ વાયનેર દ્વારા તૈયાર કરાયો હતો.
ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન
કોરોનેશન સર્વિસ બાદ કિંગ ચાર્લ્સ સેન્ટ એડવર્ડ ક્રાઉન ઉતારીને ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન ધારણ કરશે.. છેલ્લે ક્વીન એલિઝાબેથ દ્વિતિયની અંતિમ ક્રિયામાં આ તાજ જોવા મળ્યો હતો. આ ક્રાઉન 1937માં કિંગ જ્યોર્જ છઠ્ઠાની તાજપોશી માટે તૈયાર કરાયો હતો અને તે ક્વીન વિક્ટોરિયાના 1838ના ક્રાઉન પર આધારિત હતો. આ ક્રાઉનમાં 3 મોટા સ્ટોન સાથેની ગોલ્ડ ફ્રેમ અને 2868 ડાયમંડ, 17 નીલમ, 11 નીલમણિ અને 269 મોતી જડેલાં છે.
કિંગની તાજપોશીમાંથી વિવાદાસ્પદ કોહીનૂર હીરા સાથેના તાજની બાદબાકી
લંડન - કિંગ ચાર્લ્સ તૃતિય અને ક્વીન કેમિલાની તાજપોશીમાં બકિંગહામ પેલેસ દ્વારા વિવાદાસ્પદ કોહીનૂર હીરાની બાદબાકી કરી નાખવામાં આવી છે. બકિંગહામ પેલેસ સારી રીતે જાણે છે કે કોહીનૂર હીરાને તાજપોશીમાં સ્થાન અપાશે તો ભારત અને યુકે વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી શકે છે. તેના કારણે જ ક્વીન કેમિલાએ કોહીનૂર હીરા સાથેના પરંપરાગત તાજનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેના સ્થાને ક્વીન કેમિલાની તાજપોશી ક્વીન મેરીના તાજ વડે કરવામાં આવશે. બકિંગહામ પેલેસ નથી ઇચ્છતો કે રાજવી પરિવાર પાસેના સંખ્યાબંધ ક્રાઉનમાં જડાયેલા વિવાદાસ્પદ રત્નોના કારણે કિંગની તાજપોશી વિવાદાસ્પદ બને.
કિંગની સાથે ક્વીન કેમિલાની પણ ક્વીન મેરીનો તાજ પહેરાવીને તાજપોશી કરાશે
લંડન – કિંગ ચાર્લ્સની સાથે છેલ્લા 18 વર્ષથી તેમના પત્ની એવા કેમિલાની ક્વીન તરીકે તાજપોશી કરાશે. આ પ્રસંગે તેમને ક્વીન કોન્સોર્ટની રિંગ અને ક્વીન મેરીનો તાજ પહેરાવવામાં આવશે. આ તાજ સૌથી પહેલાં કિંગ જ્યોર્જ પંચમની પત્ની માટે 1911માં તૈયાર કરાયો હતો. આ તાજમાંથી વિવાદાસ્પદ કોહિનૂર હીરાને હટાવીને તેને સ્થાને કુલિનન થર્ડ, ફોર્થ અને ફિફ્થ ડાયમંડ લગાવવામાં આવ્યાં છે. આ પહેલીવાર છે જ્યારે ક્વીન કોન્સોર્ટ માટે નવો તાજ તૈયાર કરવામાં આવ્યો નથી.


