લંડન
બ્રિટનના ઇતિહાસમાં પહેલીવાર રાજવીની તાજપોશીમાં બિનખ્રિસ્તી અગ્રણીઓને સામેલ કરવામાં આવી રહ્યાં છે. વેસ્ટમિન્સ્ટર આબે ખાતે યોજાનારી તાજપોશીની વિધિમં હિન્દુ, શિખ, મુસ્લિમ અને યહૂદી અગ્રણીઓ કિંગ ચાર્લ્સને ચાર મહત્વના તાજપોશીના રાજચિહ્નો અર્પણ કરશે. અન્ય ધર્મના ધર્મગુરુઓને તાજપોશીની વિધિ દરમિયાન બોલવાની તક નહીં અપાય પરંતુ તેઓ આ વિધિનો હિસ્સો રહેશે તેમ માનવામાં આવે છે. આ વ્યવસ્થા અંતર્ગત અન્ય ચાર મોટા ધર્મના હાઉસ ઓફ લોર્ડ્સના ચાર સભ્યો બિનખ્રિસ્તી ધર્મોના પ્રતિનિધિ તરીકે મુખ્ય સમારોહમાં હાજરી આપશે.
કિંગ ચાર્લ્સ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના વડા છે પરંતુ તેઓ તમામ ધર્મના સંરક્ષક બની રહેવાની ઇચ્છા જાહેર કરી ચૂક્યા છે. તાજપોશીની વિધિમાં એક કોરોનેશન રોબ 64 વર્ષીય બેરોનેસ મેર્રોન દ્વારા કિંગને અપાશે. બેરોનેસ ગિલિયન મેર્રોન યહૂદી ધર્મગુરૂ અને લેબર પાર્ટીના પૂર્વ સાંસદ છે. કિંગ ચાર્લ્સ તાજપોશી માટેના સિંહાસન પર બિરાજમાન થયા પછી અન્ય 3 અન્યધર્મી અગ્રણીઓ દ્વારા કિંગ માટે અન્ય રાજચિહ્નો લાવવામાં આવશે.
અખબારી અહેવાલ પ્રમાણે 84 વર્ષીય લોર્ડ નરેન્દ્ર પટેલ સોવેરિન રિંગ લઇને આવશે. લોર્ડ પટેલનો જન્મ હાલન ટાન્ઝાનિયામાં થયો હતો. લંડન સ્થિત મુસ્લિમ અગ્રણી 56 વર્ષીય લોર્ડ કમાલ બ્રેસલેટની જોડી લઇને આવશે. વિમ્બલ્ડનના લોર્ડ ઇન્દ્રજિત સિંહ કોરોનેશન ગ્લોવ લઇને આવશે, લોર્ડ સિંહનો જન્મ બ્રિટિશ ઇન્ડિયના રાવલપિંડીમાં થયો હતો.
- બેરોનેસ મેર્રોન કિંગને કોરોનેશન રોબ અર્પણ કરશે
- લોર્ડ નરેન્દ્ર પટેલ કિંગને સોવેરિન રિંગ અર્પણ કરશે
- લોર્ડ કમાલ કિંગને બ્રેસલેટની જોડી અર્પણ કરશે
- લોર્ડ ઇન્દ્રજિત સિંહ કિંગને કોરોનેશન ગ્લોવ અર્પણ કરશે


