લંડનઃ કેન્સરનું નિદાન થયા બાદ પહેલીવાર મોટી જાહેર ઇવેન્ટમાં ભાગ લેતાં કિંગ ચાર્લ્સ તૃતીયે ઇસ્ટરના દિવસની ચર્ચની પ્રાર્થનાસભામાં ભાગ લીધો હતો. વિન્ડસરમાં સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે ઇસ્ટરની પ્રેયરમાં ભાગ લીધા બાદ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા ખુશ જણાતા હતા. તેમણે આ પ્રસંગે બહાર એકઠી થયેલી જનમેદનીને હેપ્પી ઇસ્ટરની શુભેચ્છા પાઠવી હતી. જોકે આ પ્રસંગે કેન્સરથી પીડિત પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન અને પ્રિન્સ વિલિયમ હાજર રહ્યાં નહોતાં.
ચેપલની બહાર એકઠી થયેલી જનમેદનીએ કિંગ ચાર્લ્સને ઝડપથી સાજાપણાની શુભેચ્છા પાઠવી હતી. કિંગે જનમેદનીને જણાવ્યું હતું કે, હું શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યો છું. તમે આટલી ઠંડીમાં પણ અહીં હાજર છો તે દર્શાવે છે કે તમે ઘણા બહાદૂર છો.