લંડનઃ ગયા સપ્તાહમાં કિંગ્સવૂડ અને વેલિંગબરો બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં વડાપ્રધાન રિશી સુનાક અને તેમની કન્ઝર્વેટિંવ પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. લેબર પાર્ટીએ ટોરીઝના ગઢસમાન ગણાતી આ બેઠકો પર મોટો વિજય હાંસલ કર્યો હતો. વેલિંગબરો બેઠક પર લેબર પાર્ટીના ઉમેદવાર જેન કિચને 45.8 ટકા મત અને કિંગ્સવૂડ બેઠક પર લેબર ઉમેદવાર ડેમિયન ઇગને 44.9 ટકા મત હાંસલ કરીને વિજય હાંસલ કર્યો હતો. વેલિંગબરોમાં તો બીજા વિશ્વયુદ્ધ બાદ કોઇપણ પેટાચૂંટણીમાં મતોમાં 28.5 ટકાનો સ્વિંગ જોવા મળ્યો હતો. વિજયના પગલે લેબર નેતા સર કેર સ્ટાર્મેરે જણાવ્યુ હતું કે, તેઓ પરિણામથી ઘણા ખુશ છે.
બીજીતરફ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, પેટાચૂંટણીઓ સત્તાધારી પક્ષો માટે હંમેશા મુશ્કેલ રહી છે. આ પેટાચૂંટણીઓના સંજોગો ખરેખર પડકારજનક હતાં. પેટાચૂંટણીમાં 37 ટકા જેટલું ઘણું ઓછું મતદાન થયું હતું. મને લાગે છે કે અમે અમારી પ્રાથમિકતાઓ પર પરિણામ આપી રહ્યાં છે તે લોકોને દર્શાવવા માટે કામ પર લાગી જવું જોઇએ.


