કિડની અને બ્લેડરના કેન્સરમાં વહેલું નિદાન જીવન બચાવી શકે

Wednesday 16th March 2016 08:44 EDT
 
 

લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નવા ‘બી ક્લીઅર ઓન કેન્સર’ અભિયાનના ભાગરુપે રીલિઝ કરાયેલી નવી ફિલ્મમાં મિસિસ જ્યોતિ હોવે સહિત કેન્સરમાંથી જીવતાં બચેલા બ્લેક અને એશિયન દર્દીઓએ ભૂમિકા ભજવી છે. કિડની અને બ્લેડરના કેન્સરના નિદાનમાં યુરિનમાં લોહી દેખાવું ચાવીરુપ લક્ષણ મહત્ત્વપૂર્ણ છે તેમ જણાવી વહેલા નિદાનથી કેન્સર સામેના જંગમાં જીતવાની તક વધી જાય છે. આથી, લક્ષણો વિશે જાગૃતિ વિશેષ મહત્ત્વ ધરાવે છે. સાંસ્કૃતિક મુદ્દાઓના લીધે બ્લેક અને એશિયન લોકો ડોક્ટરો પાસે જવામાં વિલંબ કરે છે અને પરિણામે વેળાસર નિદાન થતું નથી.

ઈંગ્લેન્ડમાં દર વર્ષે આશરે ૧૭,૫૦૦ લોકોને બ્લેડર અથવા કિડનીનું કેન્સર હોવાનું નિદાન થાય છે અને આશરે ૭,૬૦૦ લોકો મોતને ભેટે છે. કેન્સર અંગે નવી ફિલ્મમાં બ્લેક અને એશિયન દર્દીઓ ઉપરાંત, બાર્ટ્સ હેલ્થ NHS ટ્રસ્ટના કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ્સ ઝુમુર પાટી અને પ્રોફેસર ફ્રાન્ક ચિનેગવુન્ડોહ OBEની પણ ભૂમિકા છે. યુરિનમાં લોહી દેખાવા જેવાં અસામાન્ય લક્ષણો ધ્યાનમાં આવે ત્યારે સાઉન એશિયન, આફ્રિકન અને આફ્રિકન કેરેબિયન મૂળના લોકો ડોક્ટરો પાસે જતાં અચકાય છે.

કન્સલ્ટન્ટ યુરોલોજિકલ સર્જન ઝુમુર પાટીએ જણાવ્યું હતું કે,‘કેન્સરનો ભય અને ખયાલ એટલો મજબૂત હોય છે કે કેન્સર અસાધ્ય રોગ છે જે ઝડપી મોત તરફ લઈ જાય છે, પરંતુ જો વેળાસર ધ્યાનમાં આવે તો કિડની અને બ્લેડરના કેન્સરની સારવાર થઈ શકે છે. કેટલાક લોકો ડોક્ટર પાસે જવાના બદલે સ્પિરિચ્યુઅલિસ્ટ પાસે જાય છે અથવા જાતે જ હર્બલ ઉપચાર કરે છે. સ્પિરિચ્યુઅલિસ્ટ પાસે જવું ખોટું નથી, પરંતુ જો એક વખત પણ યુરિનમાં લોહી દેખાય તો ડોક્ટરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.’

પ્રોફેસર ફ્રાન્ક ચિનેગવુન્ડોહ OBEએ કહ્યું હતું કે,‘ બ્લેડર અથવા કિડનીની વિવિધ સમસ્યાના કારણે જ યુરિનમાં લોહી આવે છે. મોટા ભાગની સમસ્યા ગંભીર હોતી નથી, પરંતુ તે બ્લેડર કે કિડનીના કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે તેથી તેને અવગણવી ન જોઈએ.’ વધુ માહિતી મેળવવા nhs.uk/bloodinpee ની મુલાકાત લઈ શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter