લંડનઃ કેમિલા બટમેનઘેલીઝ દ્વારા ૧૯૯૬માં સ્થાપિત ચેરિટી કિડ્સ કંપની આખરે નાણાકીય ગેરવહીવટના આક્ષેપો વચ્ચે બંધ કરી દેવાઈ છે. જોકે, કેમિલાએ સંસ્થા ગેરવહીવટના કારણોસર બંધ કરાયાના આક્ષેપોને વાહિયાત ગણાવ્યાં હતાં. ડેવિડ કેમરને ૨૦૦૬માં આ સંસ્થાને વિશાળ અને બહેતર સમાજના ઉજ્જવળ ઉદાહરણ સાથે વિઝનરી-સ્વપ્નદૃષ્ટા ગણાવીને બિરદાવી હતી.
ગત સપ્તાહે જ ચેરિટીને સરકાર દ્વારા ત્રણ મિલિયન પાઉન્ડની ગ્રાન્ટ અપાયા પછી અચાનક જ સંસ્થાને બંધ કરી દેવાના પગલાંના મુદ્દે કેમિલા બટમેનઘેલીઝ ભારે ચકાસણી હેઠળ આવી છે. કેબિનેટ ઓફિસ મિનિસ્ટર્સ ઓલિવર લેટવિન અને મેથ્યુ હેન્કોક દ્વારા મંજૂર કરાયેલી ગ્રાન્ટમાંથી આશરે £૮૦૦,૦૦૦નો ઉપયોગ ચેરિટીના કર્મચારીઓના લાંબા સમયથી બાકી પગાર ચુકવવામાં થયાનો આક્ષેપ છે. છેલ્લાં કેટલાક વર્ષોથી સંસ્થામાં સ્ટાફની સંખ્યામાં ભારે વધારો થતો રહ્યો છે. નાણાકીય ગેરવહીવટના દાવાઓ ઉપરાંત, બટમેનઘેલીઝ સામે ઉડાઉ ખર્ચાના આક્ષેપો પણ છે. ચેરિટીમાં ભય અને માનીતાવાદની સંસ્કૃતિ પ્રવર્તતી હોવાના પણ આક્ષેપ છે. એક સમયે બટમેનઘેલીઝ પાંચ અંગત સહાયકો ધરાવતી હોવાનું પણ કહેવાયું છે.
ઉપરોક્ત આક્ષેપોમાં કોઈ સત્ય હોય કે ના હોય, છતાં દાનનો જે રીતે ખર્ચો કરાય છે તેના વિષે ભૂતકાળમાં અનેક ચેરિટી સંસ્થાઓ સામે પ્રશ્નો ઉઠાવાયાં છે. અનેક બોગસ ચેરિટી સંસ્થાઓ અને કૌભાંડો જાહેર થતાં રહે તે રોજબરોજની ઘટનાઓ છે. લોકો કચડાયેલાં અને ગરીબોની સ્થિતિ બહેતર બનાવવાની શુભચેષ્ટાથી દાનની મદદ આપે છે, પરંતુ તેમના દાનનો ઉપયોગ સત્કાર્યમાં થતો ન હોવાનું જાણી છેતરાયાની લાગણી અનુભવે છે. આવા અનુભવોના પરિણામે, સાચી ચેરિટીઝ અને જરૂરિયાતમંદ લોકોને પણ સહન કરવું પડે છે.