કિથ વાઝ સારા માણસ છે, હું તેમને માફ કરીશઃ મારિયા ફરનાન્ડીસ

Wednesday 14th September 2016 07:22 EDT
 
 

લંડનઃ પુરુશવેશ્યા કૌભાંડમાં ફસાયેલા લેબર પાર્ટીના સાંદ કિથ વાઝના પત્ની મારિયા ફરનાન્ડીસ પતિની પડખે અડીખમ ઉભાં રહ્યાં છે. કિથ વાઝે આંસુ સારી આ સ્ખલન અંગે પત્નીની માફી માગી લીધી છે અને આનું પુનરાવર્તન નહિ થાય તેવું વચન પણ આપ્યું છે. મારિયા ફરનાન્ડીસે ધ મેઈલ ઓન સન્ડેને જણાવ્યું હતું કે આ ભારે આઘાત છે અને હું તેમાંથી પસાર થઈ રહી છું. કિથ ખરાબ વ્યક્તિ નથી, તેમણે માત્ર ખરાબ કાર્ય કર્યું છે. બાળકો સહિત અમારા બધાને તેની ખરાબ અસર થઈ છે. પરંતુ તે સારી વ્યક્તિ છે સારા પિતા છે અને સારા પતિ રહ્યો છે. ૧૦માંથી નવ વખત તેમણે સારું કાર્ય કર્યું છે. આ એક વખત તે ખરાબ રીતે નિષ્ફળ ગયા છે.’

બે સંતાનો-૨૧ વર્ષના પુત્ર અને ૧૯ વર્ષની પુત્રીની માતાએ જણાવ્યું હતું કે કિથ પુરુષો તરફ જાતીય આકર્ષણ ધરાવતો હોવાની તેમને કદી શંકા ગઈ ન હતી, પરંતુ છેતરાયાંનું દુખ છે. ‘મેં તેમને માફ કરવાનો નિર્ણય કર્યો છે. જો હું તેમને માફ નહિ કરું તો મને તેનું દુખ કોરી ખાશે. તે મને ભાંગી નાખશે અને હું તેમ ઈચ્છતી નથી.’

મારિયાએ કહ્યું હતું કે તેને વાઝની ચિંતા છે. ‘તે બે વખત આપઘાત કરવા માગતો હતો. યુરોપ મિનિસ્ટર તરીકે પાસપોર્ટ કૌભાંડમાં પકડાયા ત્યારે અને અત્યારે. તે બસ મોત જ ઈચ્છતા હતા.’

બીજી તરફ, દિવસો વીતવા સાથે કલંકિત સાંસદને સંડોવતું કૌભાંડ વધુ ઘેરું થતું જાય છે. હવે પોલીસ લેસ્ટરના સાંસદ હોદ્દાના સંભવિત દુરુપયોગ અને ગેરવર્તનના નવા આક્ષેપો વિશે વિચારી રહી છે. લેસ્ટરમાં ૨૫ વર્ષ અગાઉ કાઉન્સિલ દ્વારા નહિ ચુકવાયેલા ભાડાં સંબંધે વેશ્યાગૃહના માલિકને દૂર કરવાના પ્રયાસમાં અવરોધ ઉભા કર્યાના આક્ષેપ વાઝ સામે છે. ડિટેક્ટિવોએ સાક્ષીઓની મુલાકાતો પણ કરી છે. જોકે, લેસ્ટરશાયર પોલીસે સાંસદ તપાસ હેઠળ હોવાનું જણાવવાનો ઈનકાર કર્યો છે.

નોર્થ-વેસ્ટ લંડનમાં એજવેર ખાતે તેમની માલિકીના ફ્લેટમાં બે પુરુષ વેશ્યા સાથે પકડાયા પછી વાઝે હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. એક અહેવાલ અનુસાર તેમણે પુરુષવેશ્યાની સેવા માટે નાણા ચુકવ્યા હતા. બીજી તરફ, લંડનમાં બે પુરુષ પ્રોસ્ટિટ્યુટ સાથે સંડોવણીમાં વાઝે કોઈ ક્રિમિનલ ગુનો કર્યો છે કે કેમ તેનું મૂલ્યાંકન કરાતું હોવાનું સ્કોટલેન્ડ યાર્ડે સમર્થન આપ્યું હતું . જોકે, આ કોઈ સત્તાવાર તપાસ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter