લંડનઃ ભારતીય અબજોપતિ કિરણ મજુમદાર શોએ પતિ જોન શોને શ્રદ્ધાંજલિ અર્પતાં તેમની યાદમાં સ્કોટલેન્ડના કેટલાક ઐતિહાસિક ચિત્રકારો દ્વારા કંડારાયેલા ચિત્રો રેનફ્રુશાયરના નાગરિક સંગ્રહમાં દાન આપ્યા છે. જોન શો સ્કોટિશ કલાના પ્રશંસક અને સંગ્રાહક હતા. કિરણ મજુમદાર શો ભારતની અગ્રણી બાયોફાર્માસ્યુટિકલ કંપની બાયોકોનના સ્થાપક અને અધ્યક્ષ છે.
જોન શોનો જન્મ ગ્લાસગોમાં થયો હતો અને તેમણે ટેક્સટાઇલ કંપની કોટ્સ વિયેલામાં આંતરરાષ્ટ્રીય કારકિર્દી બનાવી હતી. 2022માં જોન શોનું ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. કિરણે જણાવ્યું હતું કે, જોન શો ગૌરવશાળી સ્કોટિશ હતા અને કોટ્સ વિયેલમાંની કારકિર્દીએ તેમના જીવનમાં પાયારૂપ ભુમિકા ભજવી હતી. જોન વિશ્વમાં જ્યાં પણ ગયાં ત્યાં સ્કોટિશ કલાના સંગ્રહે તેમને વતન સાથે જોડી રાખ્યાં હતાં. મને આશા છે કે આ કલાકૃતિઓ હવે પેસલી મ્યુઝિયમની મુલાકાત લેનારાને પણ સ્કોટલેન્ડ સાથેના જોડાણની અનુભૂતિ કરાવશે. કિરણે દાન કરેલા સંગ્રહમાં હેનરી રેબર્ન અને જેમ્સ પેટરસનના ચિત્રો સામેલ છે જે 19મી સદીના અંતે ઘણી પ્રસિદ્ધી પામ્યા હતા.


