લંડનઃ સગીર કન્યાઓનો સંપર્ક કરવા સ્નેપચેટનો ઉપયોગ કરી તેમને સેક્સની ફરજ પાડનાર 34 વર્ષીય બિલાલ હુસેનને વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટે સાડા 3 વર્ષની કેદ ફટકારી છે. કિશોરીઓની ફરિયાદના આધાર અધિકારીઓએ તાત્કાલિક બિલાલના સ્નેપચેટ એકાઉન્ટની તપાસ કરીને ઓળખ કર્યા બાદ સપ્ટેમ્બર 2021માં ધરપકડ કરી હતી.
જૂન 2021માં સૌથી પહેલા અપરાધી બિલાલ હુસેને સ્નેપચેટ દ્વારા 15 વર્ષીય કન્યાનો સંપર્ક કર્યો હતો અને વેસ્ટ બ્રોમવિચમાં તેની કારમાં કન્યા સાથે મુલાકાત કરી હતી. બિલાલે ફરી વાર તે કન્યાને અન્ય એક 15 વર્ષીય કન્યા સાથે મળવા બોલાવી હતી અને તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બદલામાં તેણે આ કન્યાઓને નાણા પણ આપ્યા હતા. આ કન્યાઓએ વેસ્ટ મિડલેન્ડના પોલીસ અધિકારીઓ સમક્ષ પોતાના ભયાવહ અનુભવનું વર્ણન કર્યું હતું. બિલાલ તેમને ડરાવીને શારીરિક સંબંધો બાંધવા દબાણ કરતો હતો.
બિલાલે તપાસ દરમિયાન સહકાર ન આપતા પોલીસે અદાલતમાં જપ્ત કરેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસિસ પુરાવા તરીકે રજૂ કર્યા હતા. બિલાલે તેના ડિવાઇસિસના પાસવર્ડ આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો.
કોર્ટે બિલાલને બાળક સાથે શારીરિક સંબંધ બાંધવાના આરોપસર દોષી ઠરાવી 3 વર્ષ 6 મહિનાની કેની સજા ફટકારી હતી અને આજીવન સેક્સ ઓફેન્ડર રજિસ્ટર પર રાખવાનો પણ આદેશ આપ્યો હતો.


