લંડનઃ દેશમાં સીરિયલ શોપ લિફ્ટર તરીકે કુખ્યાત બનેલી 54 વર્ષીય નરિન્દર કૌરને 10 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. કૌરે શોપ લિફ્ટિંગને જાણે કે વ્યવસાય બનાવી દીધો હતો અને ચોરી કરીને રિટેલર્સને 5,00,000 પાઉન્ડનો ચૂનો લગાવ્યો હતો.
વિલ્ટશાયરના ક્વેરટોનમાં રહેતી નરિન્દર કૌર સમગ્ર દેશમાં ફરતી રહેતી અને ડેબનહેમ્સ, જ્હોન લૂઇસ, હાઉસ ઓફ ફ્રેસર, ટીકી મેક્સ જેવા સ્ટોર્સને નિશાન બનાવતી અને પોતે ચોરેલી આઇટમ પરત કરીને રિફંડ હાંસલ કરતી હતી.
કૌરે સૌથી મોટુ નુકસાન બૂટ્સને પહોંચાડ્યું હતું. કૌરે યુકેના 7 સ્ટોર્સમાં ચોરેલી આઇટમ પરત કરીને 60,787 પાઉન્ડનું રિફંડ પ્રાપ્ત કર્યું હતું. તેણે ડેબેનહેમ્સને 42,853 પાઉન્ડ, જ્હોન લૂઇસને 33,131 પાઉન્ડનો ચૂનો લગાવ્યો હતો. તેણે વેસ્ટ મિડલેન્ડ્સ, સાઉથ વેલ્સ અને થેમ્સ વેલીમાં કેટલાંક મોન્સૂન સ્ટોર્સમાં આ મોડસ ઓપરેન્ડી અપનાવીને 23000 પાઉન્ડ કરતાં વધુની છેતરપિંડી આચરી હતી.
કૌરને તેના અપરાધ માટે સજા ફટકારતાં ગ્લુસેસ્ટર ક્રાઉન કોર્ટના જજ ઇયાન લાવરી કેસીએ જણાવ્યું હતું કે, તે સતત અપરાધ આચરતી રહેતી હતી. તેણે જાણે કે અપ્રમાણિકતાની સુનામી લાવી દીધી હતી. તેના અપરાધોની કોઇ સીમા દેખાતી નથી.


