કુશળતા ધરાવતા ભારતીય અને ચીની કર્મચારીઓની વધુ કમાણી

Wednesday 17th July 2019 03:07 EDT
 
 

લંડનઃ શ્વેત બ્રિટિશ કર્મચારીઓની સરખામણીએ ચાઈનીઝ અને ભારતીય પારિવારિક પશ્ચાદભૂ ધરાવતા વર્કર્સ વધુ કમાણીની શક્યતા હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા વંશીય જૂથોની કમાણીના નવા સર્વેમાં જણાવાયું છે. શ્વેત બ્રિટિશરો કરતાં ચાઈનીઝ વર્કર્સ ૩૩ ટકા જેટલી વધુ કમાણી કરે છે. ભારતીય વર્કર્સ મજબૂત પ્રોફેશનલ અને શૈક્ષણિક લાયકાતોના લીધે શ્વેત સમકક્ષો કરતાં સરેરાશ ૧૨ ટકા વધુ કમાણી કરે છે જ્યારે બાંગલાદેશી કામદારો શ્વેત બ્રિટિશ કર્મચારીઓની સરખામણીએ સરેરાશ ૨૦ ટકા ઓછું કમાય છે.

વંશીય જૂથોમાં પણ લૈંગિક વેતનખાઈમાં નાટ્યાત્મક તફાવત છે. ભારતીય સ્ત્રીની સરખામણીએ ભારતીય પુરુષ પ્રતિ કલાક ૨૩.૩ ટકા જ્યારે ચીની સ્ત્રી કરતાં ચીની પુરુષ પ્રતિ કલાક ૧૯.૧ ટકા વધુ કમાણી કરે છે. શ્વેત બ્રિટિશ અને અશ્વેત બ્રિટિશ, આફ્રિકન અને કેરેબિયન કામદારોમાં લૈંગિક વેતનખાઈ માત્ર ૩.૩ ટકા છે.

ONSદ્વારા જણાવાયું છે કે યુવાન લોકોમાં શ્વેત લોકો અને અન્ય વંશીય જૂથો વચ્ચે કમાણીની ખાઈ ઘટતી જણાય છે. ૩૦ વર્ષથી ઓછી વયના અશ્વેત અને કેરેબિયન કામદારો તે જ વયજૂથના શ્વેત બ્રિટિશ લોકોની સરખામણીએ લગભગ સમાન કમાણી કરે છે.

રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે તમામ જૂથોમાં બ્રિટનમાં જન્મેલા લોકોની સરખામણીએ બ્રિટનની બહાર જન્મેલા લોકોની કમાણી ઓછી હોય છે. ભારતીય અને ચાઈનીઝ સિવાય અન્ય વંશીય જૂથોની સરેરાશ કમાણી તેમના શ્વેત બ્રિટિશ સમકક્ષો કરતાં ઓછી છે. વંશીયતા વેતન ટેબલમાં સૌથી નીચે બાંગલાદેશી કામદારો આવે છે, જેઓ શ્વેત બ્રિટિશ કામદારો કરતાં આશરે ૨૦ ટકા ઓછી કમાણી કરે છે.

૨૦૧૮માં વંશીય જૂથોની કલાકદીઠ કમાણી

ચાઈનીઝ                                    ૧૫.૭૫ પાઉન્ડ

ભારતીય                                     ૧૩.૪૭ પાઉન્ડ

મિક્સ્ડ                                         ૧૨.૩૩ પાઉન્ડ

શ્વેત બ્રિટિશ                                    ૧૨.૩૦ પાઉન્ડ

અન્ય એશિયનો                               ૧૧.૫૫ પાઉન્ડ

અશ્વેત આફ્રિકન, કેરેબિયન, બ્રિટિશ       ૧૦.૯૨ પાઉન્ડ

અન્ય જૂથ                                   ૧૦.૯૨ પાઉન્ડ

પાકિસ્તાની                                  ૧૦.૦૦ પાઉન્ડ

બાંગલાદેશી                                 ૦૯.૬૦ પાઉન્ડ

(સ્રોતઃ ONS એન્યુઅલ પોપ્યુલેશન સર્વે)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter