લંડનઃ જાન્યુઆરી 2023માં લીડ્સ ખાતેની સેન્ટ જેમ્સ હોસ્પિટલમાં પ્રેશર કૂકર બોમ્બ વિસ્ફોટ કરીને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનાર પૂર્વ નર્સિંગ સ્ટુડન્ટ મોહમ્મદ ફારૂકને 37 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. તેણે મેટરનિટી વિંગમાં વિસ્ફોટ કરીને બને તેટલી વધુ નર્સોની હત્યા કરવાની યોજના બનાવી હતી.
કેસની સુનાવણીમાં જ્યૂરીને જણાવવામાં આવ્યું હતું કે ફારૂક દાએશ પ્રોપેગેન્ડાથી પ્રેરીત હતો અને જાતે જ શસ્ત્રો હાંસલ કરવા અને વિસ્ફોટકો તૈયાર કરવાની યોજના બનાવતો હતો. તેને તેના પૂર્વ સહયોગીઓ સામે ઘણી ફરિયાદો હતી અને તેમની વિરુદ્ધ તે અભિયાન પણ ચલાવી રહ્યો હતો. તેણે બોસ્ટન મેરેથોન હુમલામાં વપરાયેલ બોમ્બ જેવો બોમ્બ તૈયાર કર્યો હતો પરંતુ તેની વિસ્ફોટ ક્ષમતા બમણી હતી.
હોસ્પિટલ પરિસરમાં નાથાન ન્યૂબી નામના દર્દી સાથેની વાતચીતમાં તેના વ્યવહાર પર શંકા જાગી હતી. ફારૂકે અદાલતમાં પોતાના પર મૂકાયેલા તમામ આરોપ કબૂલી લીધાં હતાં.