લંડનઃ એટલાન્ટિક સમુદ્રમાંથી ઉદભવેલું શક્તિશાળી વાવાઝોડું ‘કેટી’ બ્રિટન પર ત્રાટકતાં પ્રતિ કલાક ૧૦૫ માઈલથી વધુ ઝડપે પવન ફૂંકાવા સાથે મુશળધાર વરસાદ થયો હતો. વાવાઝોડાના કારણે રેલ, હવાઈ અને માર્ગ વ્યવહાર ખોરવાયાં હતાં. ૧૦૦થી વધુ ફ્લાઈટસ રદ અથવા ડાઈવર્ટ કરાઈ હતી. મુખ્ય રસ્તાઓ પર સંખ્યાબંધ વૃક્ષો અને ઈલેક્ટ્રીક થાંભલા પડી જવાંથી કારચાલકો અટવાઈ ગયા હતા. વીજ પુરવઠો ખોરવાતાં ૮૦,૦૦૦થી વધુ મકાનોમાં અંધારપટ છવાઈ ગયો હતો. જોકે, વીજ કંપનીઓએ પુરવઠો ફરી શરૂ કરવા તત્કાળ કામગીરી હાથ ધરી હતી. ‘કેટી’ ગયા ઓટમથી અત્યાર સુધીમાં બ્રિટનમાં આવેલું ૧૧મું વાવાઝોડું છે. તેને લીધે લોકોની બીજી બેંક હોલિડેની મજા બગડી હતી.
ખરાબ હવામાનમાં પણ કેટલીક ફ્લાઈટસે ગેટવિક એરપોર્ટ પર લેન્ડીંગ કર્યું હતું. જોકે, તેમાં પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ગેટવિક અને હીથ્રો એરપોર્ટથી ઉપ઼઼ડતી તેમજ આવતી ૧૦૦થી વધુ ફ્લાઈટસ રદ અથવા માન્ચેસ્ટર અને ઈસ્ટ મિડલેન્ડના એરપોર્ટસ તરફ ડાઈવર્ટ કરાઈ હતી.
ભારે પવન અને વાવાઝોડાને લીધે કેન્ટમાં ડાર્ટફોર્ડ ક્રોસિંગ તેમજ સેવર્ન બ્રીજ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા. પોર્ટ્સમથ અને સાઉથસી, યેઓવિલ અને એક્સેટર, તેમજ બોર્નમથ અને બ્રોકનહર્સ્ટ વચ્ચેના ટ્રેક પર પાણી ફરી વળતાં અને વૃક્ષો પડતાં કેટલીક ટ્રેનો રદ કરાઈ હતી અથવા મોડી પડી હતી. પૂલેથી ગર્નસે, ગર્નસે અને જર્સી વચ્ચેની ફેરી સર્વિસ સલામતીના કારણસર રદ કરાઈ હતી.
સ્ટેફોર્ડ તરફ જતા હાઈવે M6ના જંક્શન ૧૩ અને ૧૪ વચ્ચેના ઘણાં ભાગો પર પાણી ભરાઈ જતાં તેને વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. વાવાઝોડાને લીધે કેટલીક કાર ફંગોળાઈ ગઈ હતી. લંડન ફાયરબ્રિગેડના પ્રવક્તાએ જણાવ્યું કે વાવાઝોડાને લીધે એક મકાનની છત ઉખડીને વિક્ટોરિયા મ્યુઝ પર પડી હતી. તેમણે ઉમેર્યું કે ખરાબ હવામાનના કારણસરની ઘટનાઓ અંગે સંખ્યાબંધ કોલ્સ મળ્યા હતા.
ભારે પવન ફૂંકાતા વૃક્ષો અને વીજ થાંભલા પડી જતાં ૮૦,૦૦૦ મકાનોમાં અંધારપટ છવાયો હતો. બર્કશાયર,ઓક્સફોર્ડશાયર, હેમ્પશાયર, ડોર્સેટ, સરે, વેસ્ટ સસેક્સ, વિલ્ટશાયર અને આઈલ ઓફ વાઈટ સહિત ઘણાં સ્થળોએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.


