લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને ગયા વર્ષે કેદી માતાઓ સાથે ૧૦૦થી વધુ નાના બાળકો જેલમાં રખાયા વિશે નારાજગી વ્યક્ત કરીને જસ્ટિસ સિસ્ટમમાં ધરમૂળથી સુધારાઓની હિમાયત કરી છે. કેમરને જણાવ્યું હતું કે નવી સેટેલાઈટ ટેકનોલોજી થકી નવી માતાઓ સહિત બિનહિંસક અપરાધીઓને સેટેલાઈટ ટ્રેકિંગ ઉપકરણ લગાવ્યા પછી મુક્ત કરી દેવાશે, જેનો પાયલોટ પ્રોજેક્ટ આ વર્ષના ઉત્તરાર્ધમાં શરૂ કરાશે. આના પરિણામે, કોમ્યુનિટી સજાઓની પદ્ધતિમાં ધરમૂળ પરિવર્તન આવશે.
આમ તો, ગયા વર્ષથી જ સમગ્ર દેશમાં સેટેલાઈટ ટ્રેકિંગનો ઉપયોગ કરવાનો હતો, પરંતુ ટેકનોલોજીમાં ગંભીર ખામીઓના કારણે ૨૦૨૦ સુધી તે સંપૂર્ણપણે કાર્યરત થઈ શકે તેમ નથી. વડા પ્રધાને કહ્યું હતું કે,‘નાના બાળકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે જેલનો સ્ટાફ ધ્યાન રાખે છે, પરંતુ હવે નવો અભિગમ જરૂરી છે. કેટલાક બાળકોને તેમના પ્રારંભિક મહિનાઓ અને ઘણા કિસ્સામાં વર્ષો જેલમાં વીતાવવા પડે તે ત્રાસજનક છે.’
કેમરન સત્તા છોડે તે પહેલા અસમાનતા, ગરીબી અને ભેદભાવ સહિતના પડકારોના સામના માટે બ્રિટનને નવું સ્વરૂપ આપવા માગે છે, જેનું ઉદાહરણ સામાજિક સુધારામાં તેમનો આ હસ્તક્ષેપ છે. ગત બે દાયકામાં જેલના મુદ્દે આવી વાત કરનારા તેઓ પ્રથમ વડા પ્રધાન છે. મહિલા કેદીઓ બાળકોને જન્મ આપે તે પછી તેમની સાથે કામ પાર પાડવાના વિકલ્પો તપાસવા કેમરને ખાતરી આપી છે. અત્યારે બાળકના જન્મ પછી મહિલા કેદીને જેલના ‘મધર એન્ડ બેબી યુનિટ’માં મોકલી અપાય છે, જ્યાં બાળકને ૧૮ મહિનાની ઉંમર સુધી રાખી શકાય છે.


