લંડનઃ મિનિસ્ટર્સે NHSને સાધનો પૂરા પાડવા માટે નાની મેડિસિનલ કેનાબીસ રિસર્ચ કંપનીને ૩૩ મિલિયન પાઉન્ડના કોન્ટ્રાક્ટ્સ આપ્યા હતા. ‘પોલિટિક્સ હોમ’ના અહેવાલ મુજબ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા નવા દસ્તાવેજોમાં કંપનીના એકાઉન્ટ મુજબ તેની નેટ એસેટ્સ માત્ર ૬,૦૦૦ પાઉન્ડ હોવા છતાં ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર દ્વારા કેનાગ્રો બાયોસાયન્સીસને બે કોન્ટ્રાક્ટ્સ અપાયા હતા. કંપનીની વેબસાઈટ મુજબ કેનાબીના સંશોધનમાં અને તબીબી સારવારમાં તેના વધુ ઉપયોગના ક્ષેત્રમાં તે નિષ્ણાત છે.
તેને પીપીઈના સપ્લાયનવો અગાઉનો કોઈ અનુભવ ન હોવા છતાં કંપનીને હેલ્થ એન્ડ સોશિયલ કેર સ્ટાફ માટે માસ્ક પૂરા પાડવા લાખો પાઉન્ડના કોન્ટ્રાક્ટ અપાયા હતા. આ માટે સ્પર્ધાત્મક ટેન્ડરની પણ કોઈ પ્રક્રિયા હાથ ધરાઈ ન હતી. આ કંપનીની સ્થાપના ઓક્ટોબર, ૨૦૧૮માં થઈ હતી અને તેને અગાઉ ક્યારેય કોઈપણ સરકારી કોન્ટ્રાક્ટ અપાયો નથી.
કોન્ટ્રાક્ટ્સ આપવામાં પારદર્શિતાનો અભાવ હોવાની બાબતે નેશનલ ઓડિટ ઓફિસ (NAO) ના અહેવાલમાં સરકારની ટીકા કરાઈ હતી તે પછી આ માહિતી બહાર આવી હતી. NAOના તારણ મુજબ ૧૦.૫ બિલિયન પાઉન્ડના કોન્ટ્રાક્ટ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયા વિના જ આપી દેવાયા હતા.