કેનારી વ્હાર્ફમાં પ્લાસ્ટિકનો તરતો કચરો ઓહિયાં કરી જતી રોબોટિક વેસ્ટશાર્ક

વેસ્ટશાર્ક નદીમાં તરતો પ્લાસ્ટિક્સ કચરો ઉપાડવાની સાથે જ પાણીની ગુણવત્તાનો ડેટા પણ તૈયાર કરે છે.

Tuesday 28th March 2023 15:17 EDT
 
 

લંડનઃ તળાવો, નદીઓ સહિતના અનેક જળસ્ત્રોતોમાં સૌથી મોટી સમસ્યા કચરાની અને ખાસ કરીને પ્લાસ્ટિકના કચરાની હોય છે. બાયોડિગ્રેડેબલ વેસ્ટ તો આપમેળે ખતમ થઈ જાય પરંતુ, સતત વધતો રહેતો પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કરવાની પણ મુશ્કેલી છે. વિજ્ઞાનીઓએ પાણીને ગંદુ બનાવતા પ્લાસ્ટિક કચરોને એકત્ર કરવા રોબોટિક શાર્ક વિકસાવી છે જે, પાણીમાં તરતાં રહીને પ્લાસ્ટિક કચરો ઓહિયાં કરી જશે.

લંડનના વ્યસ્ત કેનારી વ્હાર્ફ વિસ્તારમાં થેમ્સ નદીને સ્વચ્છ રાખવા માટે ઇલેક્ટ્રિક- રોબોટિક શાર્ક તરતી મૂકાઈ છે જે પ્રતિદિન પાણીની 22,700 બોટલ અથવા 500 કિલોગ્રામ જેટલો પ્લાસ્ટિક કચરો ઓહિયાં કરી જવાની ક્ષમતા ધરાવે છે. તેને પાંચ કિલોમાીટર જેટલું તર્યા પછી રિચાર્જ કરવાની જરૂર રહે છે. લંડનનું પ્રથમ એક્વા લિબ્રા વેસ્ટશાર્ક મશીન નદીમાં તરતો માઈક્રોપ્લાસ્ટિક્સ અને અન્ય પ્રદૂષક કચરો ઉપાડવાની સાથે જ પાણીની ગુણવત્તાનો ડેટા પણ તૈયાર કરે છે.

કેનારી વ્હાર્ફમાં મુલાકાત, બિઝનેસ અને શોપિંગ સહિતના કામકાજ માટે રોજ 120,000 લોકોની અવરજવર રહે છે અને તેમના મારફત પાણીમાં પ્લાસ્ટિક કચરો પણ ફેંકાતો રહે છે. માત્ર 2019માં સિંગલ યુઝ પ્લાસ્ટિકના 3,576,293 મિલિયન ટુકડાનો નિકાલ કે રિસાઈકલ કરાયો હતો. બ્રિટવિકની માલિકીની વોટર બ્રાન્ડ એક્વા લિબ્રા દ્વારા ઈનોવેટિવ ટેકનોલોજી વેસ્ટશાર્ક વિકસાવાઈ છે અને કેનારી વ્હાર્ફ ગ્રૂપ સાથે ભાગીદારીમાં પ્લાસ્ટિક પ્રદૂષણનું નિરાકરણ લાવવામાં કાર્યરત રહેશે.

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની નદીઓમાંથી માત્ર 14 ટકા જ સારું ઈકોલોજિકલ સ્ટેટસ ધરાવે છે. મોટા ભાગના જળસ્રોતો એગ્રીકલ્ચર, સ્યુએજ, રોડ્સ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રદૂષણનો સામનો કરે છે. વિશ્વસ્તરે પ્લાસ્ટિક વેસ્ટ 2000ની સાલથી બમણો થઈ ગયો છે અને તેમાંથી ફક્ત નવ ટકાનું જ રિસાઇકલિંગ થઈ શકે છે. દર વર્ષે આઠ મિલિયન ટન પ્લાસ્ટિક શહેરોની નદીઓમાં થઈને આપણા સમુદ્રોમાં ઠલવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter