કેનેડા બાદ હવે યુકેમાં ખાલિસ્તાનીઓના ઉધામા

ભારતીય હાઇ કમિશન સામે ખાલિસ્તાનીઓની ભારત વિરોધી નારાબાજી, અવતારસિંહ ખાંડાના મોતની તપાસની માગ

Tuesday 03rd October 2023 14:41 EDT
 
 

લંડનઃ ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં હત્યા માટે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતના અધિકારીઓને માથે આળ મૂક્યા બાદ હવે ખાલિસ્તાન સમર્થકો બ્રિટનમાં પણ ઉધામા મચાવવા લાગ્યા છે. ગયા સપ્તાહમાં ગ્લાસગોમાં આવેલા ગુરુદ્વારાની મુલાકાતે ગયેલા યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીને કેટલાક ખાલિસ્તાન સમર્થકોએ ગુરુદ્વારામાં પ્રવેશવા દીધા નહોતા. તેમણે દોરાઇસ્વામીની કારને ઘેરી લઇ કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. તેની પાછળ તેમનો હુમલાનો બદઇરાદો પણ હોઇ શક્તો હતો. જોકે દોરાઇસ્વામી ત્યાં સંઘર્ષમાં ઉતરવાને બદલે તાત્કાલિક રવાના થઇ ગયા હતા. આ ઘટનાના યુકે અને ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતાં.

માર્ચ મહિનામાં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન પર હુમલા બાદ ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોએ સોમવારે લંડનમાં હાઇકમિશનની સામે દેખાવો કરી ભારત વિરોધી અને ખાલિસ્તાનના સમર્થનમાં નારાબાજી કરી હતી. જોકે આ વખતે મેટ્રોપોલિટન પોલીસના ચાંપતા બંદોબસ્તના કારણે કોઇ અનિચ્છનિય બનાવ બન્યો નહોતો. બે કલાક બાદ એકઠાં થયેલા ખાલિસ્તાન સમર્થકો વિખેરાઇ ગયાં હતાં. હવે બ્રિટન સ્થિત ખાલિસ્તાની અલગતાવાદીઓ જૂન મહિનામાં બ્લડ કેન્સરના કારણે માર્યા ગયેલા ખાલિસ્તાની અલગતાવાદી અવતારસિંહ ખાંડાના મોતની તપાસ કરવાની માગ કરી છે. તેમનો આરોપ છે કે અવતારસિંહ ખાંડાનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું અને તેની તપાસ થવી જોઇએ.

યુકેમાં મુઠ્ઠીભર શીખો જ ખાલિસ્તાનનું સમર્થન કરી રહ્યાં છે. તેઓ ભારત તરફી શીખોને ડરાવી ધમકાવી પણ રહ્યાં છે. ખાલિસ્તાનીઓએ લંડનમાં તેમના આંદોલનનો વિરોધ કરનારા ભારતીય મૂળના એક શીખ પરિવાર પર હુમલો કર્યો હતો. બ્રિટનમાં ભારતીય મૂળના શીખ હરમનસિંહ ખાલિસ્તાની ચળવળના વિરોધી છે, જેના કારણે તેમને વારંવાર ધમકીઓ આપવામાં આવે છે. તેમની કાર પર કેટલાક અજ્ઞાત લોકોએ ગોળીબાર કર્યો હતો. ખાલિસ્તાની સમર્થકોએ છેલ્લા આઠ મહિનામાં ચાર વખત તેમના પર હુમલો કર્યો છે. હરમનસિંહે જણાવ્યું હતું કે, તેમની ખાલિસ્તાન વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ પછી તેમને હજારો વખત ધમકીઓ મળી છે. ખાલિસ્તાની સમર્થકોએ તેમની પત્ની અને પુત્રીના બળાત્કારની પણ ધમકીઓ આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter