લંડનઃ ભારત દ્વારા આતંકવાદી ઘોષિત કરાયેલ હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતના અધિકારીઓની સંડોવણી અંગેના કેનેડાના આરોપો પર યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, તપાસ સમિતિને તેનો રિપોર્ટ આપવા દો. અમે અમારા ભાગીદાર દેશો સાથે સમાન મૂલ્યો અને હિતો ધરાવીએ છીએ.
લંડનમાં ઇન્ડો પેસેફિક કોન્ફરન્સની સમાપ્તિ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, સરકારને તેની સાથે કોઇ લેવાદેવા નથી. તપાસ ચાલી રહી છે, તેનો રિપોર્ટ આવી જવા દો. કેનેડાના આરોપ સાચા છે કે ખોટા તેવા સવાલના જવાબમાં હાઇ કમિશ્નરે જણાવ્યું હતું કે, આ ફક્ત એક આરોપ છે, તેનાથી વધુ કશું જ નથી. અહીં ભારત અને કેનેડાના સંબંધો નહીં પરંતુ ઇન્ડો પેસિફિક સંબંધો પર વાત ચાલી રહી છે.
ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધો પર દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, આ એક એવી બાબત છે જેમાં દરેકે પોતાના ઇતિહાસને ચકાસવો જોઇએ. ભાગીદારી મૂલ્યો અને હિતોને આધારિત હોય છે. અમે અમારા ભાગીદાર દેશો સાથે સમાન મૂલ્યો અને હિતો પર કામ કરીએ છીએ.


