વાનકુવર, લંડનઃ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ- પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ આઠ મહિનાના બાળક આર્ચી સાથે બ્રિટિશ શાહી પરિવારથી સ્વતંત્ર જીવન જીવવાં કેનેડાના વાનકુવર આઈલેન્ડ પહોંચી ગયાં છે. તેમના પરિવારની સલામતી વ્યવસ્થા પાછળનો ખર્ચ કોણ ભોગવશે તે સ્પષ્ટ ન હોવાથી મોટો વિવાદ પણ સર્જાયો છે. બ્રિટન અને કેનેડાના નાગરિકો આ મુદ્દે રોષિત છે. બંને દેશ સહિયારો ખર્ચ ભોગવશે તેવી ચર્ચા પણ ચાલી છે. આ બાબતે ૯૦,૦૦૦થી વધુ કેનેડિયન નાગરિકોએ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ પોતાની સુરક્ષા વ્યવસ્થાનો ખર્ચ ખુદ ઉઠાવે તેવી માગણી સાથેની પિટિશન પર સહીઓ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દંપતી કોમર્શિયલ પ્રવાસમાં પોતાની સુરક્ષાનો ખર્ચ ખુદ ઉઠાવશે.
સસેક્સ દંપતીની સુરક્ષાના ખર્ચનો બોજો અત્યાર સુધી બ્રિટિશ કરદાતાઓ ભોગવતા હતા. તેઓ સત્તાવારપણે સ્પ્રિંગમાં શાહી ફરજોથી મુક્ત થશે ત્યાં સુધી અને તે પછી તેમનો સુરક્ષાખર્ચ કોણ ઉઠાવશે તે હજુ અસ્પષ્ટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખાનગી કોમર્શિયલ પ્રવાસ સમયે કરદાતાઓએ ચૂકવેલા સુરક્ષાખર્ચને સસેક્સ દંપતી પરત ચૂકવી દેવાના છે. પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર પણ આવા પ્રવાસનો આંશિક ખર્ચ ચૂકવતા રહ્યા છે.
બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં આવેલા વાનકુવર આઈલેન્ડ પર મેગન, હેરી અને આર્ચીની સુરક્ષા બ્રિટિશ પોલીસના બોડીગાર્ડ્સ હસ્તક છે. જોકે, તેમની સહાયમાં કેનેડાની અશ્વસવાર પોલીસ હોવાથી વાર્ષિક મલ્ટિ-મિલિયન પાઉન્ડનો ખર્ચ કોણ ચુકવશે તેનો વિવાદ ઉભો થયા છે. ડ્યૂક ઓફ સસેક્સ કેનેડા આવ્યા ત્યારે તેમની સુરક્ષા અર્થે મેટ પોલીસના બે પ્રોટેક્શન ઓફિસર પણ આવ્યા હતા, જેમનું વાર્ષિક વેતન ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધારે છે અને તેમાં ઓવરટાઈમ કે અન્ય ખર્ચાનો સમાવેશ થતો નથી. સ્કોટલેન્ડ યાર્ડ અથવા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ખર્ચ વિશે કોઈ ટીપ્પણ કરી નથી પરંતુ, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વિદેશમાં સસેક્સ દંપતીનો સુરક્ષાખર્ચ ૩-૬ મિલિયન પાઉન્ડ હોઈ શકે છે.
સુરક્ષાખર્ચ વિરુદ્ધ નાગરિકોની પિટિશન
ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ કેનેડામાં રહે ત્યાં સુધી પોતાની સુરક્ષા વ્યવસ્થાનો ખર્ચ ઉઠાવે તેવી માગણી કરતી પિટિશન કેનેડિયન ટેક્સપેયર્સ ફેડરેશન દ્વારા કરવામાં આવી છે જેમાં માત્ર એક સપ્તાહમાં ૯૦,૦૦૦થી વધુ કેનેડિયન નાગરિકોએ સહી કરી છે. હેરી અને મેગનનું રોકાણ છે તે વિક્ટોરિયા માટેના સાંસદ લોરેલ કોલિન્સે પણ જણાવ્યું છે કે સસેક્સ દંપતીની સુરક્ષાખર્ચ કેનેડિયન કરદાતાઓના શિરે લદાવો ન જોઈએ. યુકે અને કેનેડા સુરક્ષાખર્ચ વહેંચી લે તેવી અટકળોનો પણ પણ મિસ કોલિન્સે વિરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે કરદાતાઓના નાણા લોકોના જીવનને વધુ સુવિધાપૂર્ણ બનાવવા અને પર્યાવરણની રક્ષા માટે જ ઉપયોગમાં લેવાવા જોઈએ. આ ગ્રૂપ દ્વારા કહેવાયું છે કે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ લોકોની લાગણીને માન આપવું જોઈએ. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સને કેનેડામાં આવકારતા કેનેડિયન નાગરિકો હર્ષ અનુભવે છે પરંતુ તેમના અહી રહેવાસ દરમિયાન તેમને સપોર્ટ કરવાની ફરજ કરદાતાઓ પર લદાવી જોઈએ નહિ.
એક પોલમાં ૭૩ ટકાએ વિરોધ દર્શાવ્યો
વડા પ્રધાન ટ્રુડોએ સુરક્ષાખર્ચનો કેટલોક ભાર કેનેડા ઉઠાવશે તેમ કહ્યું હોવાનું મનાય છે. જોકે, એન્ગસ રેઈડ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કેનેડાના ૧૧૫૪ પુખ્ત નાગરિકોના એક પોલમાં ૭૩ ટકાએ કહ્યું છે કે સસેક્સ દંપતીનો સુરક્ષાખર્ચ કેનેડા સરકાર ભોગવે તેનો વિરોધ છે. શાહી પરિવારની સત્તાવાર મુલાકાતોમાં કેનેડા સલામતી વ્યવસ્થાનો ખર્ચ ચૂકવે છે. કેનેડિયન ક્રિમિનલ લો હેઠળ રાષ્ટ્રના વડા અથવા તેમના પરિવારનો સભ્ય આંતરરાષ્ટ્રીય સુરક્ષા સાથેની વ્યક્તિના વર્ગીકરણમાં આવે છે. હેરી અને મેગન ફૂલટાઈમ શાહી સભ્યો ન રહેવાથી તેઓ કેનેડિયન કાયદા હેઠળ આ સ્ટેટસ ગુમાવે છે.


